ફિલ્મ એનિમલ આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા )
રણબીર કપૂરની એનિમલની જાહેરાત થઈ હતી ત્યારથી જ તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. દરેક વ્યક્તિ ફિલ્મ મેકર સંદીપ રેડ્ડી વાંગાની વાતોથી એ અનુમાન લગાવી રહ્યું હતું કે આ વખતે તેઓ કંઈક એવું કરવા જઈ રહ્યા છે, જે પહેલા ફિલ્મોમાં કદી થયું નથી. ફિલ્મ રીલીઝ થઈ અને ચારે બાજુ ચર્ચા તેજ થવા લાગી. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સીન્સ અને મારધાડથી લોકો પરેશાન થયા. અનેક લોકોએ તેને સમાજ માટે હાનિકારક ગણાવ્યું તેમનું માનવું હતું કે આવી ફિલ્મો સમાજને બગાડી રહી છે અને તેમની પર ખરાબ અસર કરી રહી છે. હવે રણબીર કપૂરે ફિલ્મને લઈને વાત કરી છે.
રણબીર તાજેતરમાં ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં પહોંચ્યો તો તેને તેની ફિલ્મ એનિમલને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. રણબીરને પૂછવામાં આવ્યું કે શું તેને નથી લાગતું કે તેની ફિલ્મ સમાજ પર ખોટી અસર કરી રહી છે. આ સવાલના જવાબમાં રણબીરે સ્પષ્ટતા કરી હતી. રણબીરે કહ્યું કે હું તમારા લોકોની વાતથી સહમત છું. એક કલાકાર તરીકે અમારી ફરજ છે કે આપણે એવી ફિલ્મ લઈને આવીએ જે સમાજ પર પોઝિટીવ અસર કરે. રણબીર આગળ કહે છે કે, જોકે એ વાત પણ સાચી છે કે હું એક કલાકાર છું અને મારા માટે એ જરૂરી છે કે હું અલગ અલગ પ્રકારના પાત્રો કરતો રહું, પરંતુ તમે કહી રહ્યા છો તે પણ સાચું જ છે. આપણે વધુ જવાબદાર થવું પડશે, એ ફિલ્મો માટે જે અમે બનાવી રહ્યા છીએ.
આ પહેલી વખત નથી બન્યું જ્યારે રણબીરને તેની ફિલ્મ એનિમલને લઈને સવાલો કરવામાં આવ્યા હોય. આ પહેલા પણ અનેક ઈન્ટરવ્યુ અને પોડકાસ્ટમાં રણબીરને તેની ફિલ્મને લઈને અનેક સવાલો થયા છે. રણબીરની એનિમલ આ વર્ષની સૌથી મોટી હિટ સાબિત થઈ હતી. તેને ખૂબ વખાણ પણ મળ્યા હતા. વાયોલન્સને લઈને પણ એનિમલ ફિલ્મની ખૂબ ચર્ચાઓ થઈ હતી. ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ પણ ફિલ્મમાં દર્શાવાયેલી વાયોલન્સનો ખૂબ સપોર્ટ કર્યો હતો.