સમાજવાદી પાર્ટીના સાંસદ અને સપાના ધારાસભ્યના પુત્ર પર લાગ્યો આરોપ
હિંસા દરમિયાન ઓછામાં ઓછા ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસાને ઉત્તેજન આપવાના આરોપસર સમાજવાદી પાર્ટીના સાંસદ અને સપાના એક ધારાસભ્યના પુત્ર સહિત સેંકડો લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. સંભલમાં મંદિરને તોડીને મસ્જિદ બનાવી દેવામાં આવી છે કે કેમ તે અંગે અદાલતના નિર્દેશ હેઠળ સર્વેક્ષણની કાર્યવાહી દરમિયાન રવિવારે કટ્ટરવાદીઓના ટોળાએ ભારે તોડફોડ કરી હતી અને વાહનોને આગ લગાડી દીધી હતી. આ હિંસા દરમિયાન ઓછામાં ઓછા ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
ઉત્તરપ્રદેશના સંભલમાં કોર્ટના નિર્દેશ બાદ રવિવારે જામા મસ્જિદના સ્થળે સર્વેક્ષણની કાર્યવાહી માટે ટીમ પહોંચી હતી. આ દરમિયાન કટ્ટરવાદી ટોળાએ ભારે પથ્થરમારો, આગજની અને હિંસા કરતા પોલીસ એક્શનમાં આવી છે. સંભલમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી, એટલું જ નહીં પરંતુ બહારના લોકોને પ્રવેશવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરમિયાન પોલીસે અખિલેશ યાદવના પક્ષ સમાજવાદી પાર્ટીના સાંસદ જિયા ઉર રહેમાન તેમજ સપાના ધારાસભ્ય ઇકબાલ મસુદના પુત્ર સુહેલ ઇકબાલ ઉપર હિંસાના કાવતરાનો કેસ દાખલ કર્યો છે.
સંભલ પોલીસે સપાના સ્થાનિક આગેવાનો વિરુદ્ધ કેસ દાખલ કરવા ઉપરાંત હિંસા ભડકાવવા માટેના પોસ્ટર કોણે લગાવ્યા હતા તેની તપાસ પણ શરૂ કરી છે. સંભલના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમારા એક સબ-ઈન્સ્પેક્ટર દીપક રાઠી હિંસામાં ઘાયલ થયા હતા, તેમણે તેમના સહિત પોલીસ અને સર્પેક્ષણની ટીમ ઉપર હુમલો કરનારા ૮૦૦ જણા ઉપર FIR દાખલ કરાવી છે. આ કેસમાં સપા સાંસદ જિયા ઉર રહેમાન તેમજ સોહેલ ઇકબાલને આરોપી બનાવવામાં આવ્યા છે. તેણે જ લોકોની ઉશ્કેરણી કરી હતી. બર્કને કાનૂની નોટિસ પાઠવી દેવામાં આવી છે અને તેની ધરપકડ પણ થઈ શકે છે.
આ અગાઉ મુરાદાબાદના ડિવિઝનલ કમિશનર અંજનેય કુમાર સિંહના જણાવ્યા અનુસાર, ટીમ રવિવારે સવારે ૭ વાગે સર્વે માટે જામા મસ્જિદ પહોંચી હતી. આ પછી થોડી જ વારમાં ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ. દરમિયાન જુદી જુદી દિશામાંથી આવતા બેફામ તત્વોએ હંગામો મચાવ્યો હતો. લોકોએ પથ્થરમારો અને ગોળીબાર શરૂ કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્થળ પર હાજર પોલીસ પાર્ટીએ હળવો બળપ્રયોગ કર્યો હતો. આ દરમિયાન ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે આ ઘટના એક ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી હતી. અરાજકતાવાદી તત્વોએ આ માટેની તૈયારીઓ કરી લીધી હતી.