આરોગ્ય વિભાગમાં ૨,૦૦૦થી પણ વધુ ભરતી કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
GPSC દ્વારા આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ આરોગ્ય વિભાગમાં આગામી સમયમાં ૨,૦૦૦થી પણ વધુ ભરતી કરવામાં આવશે. આ જાહેરાત અંતર્ગત ૧૫૦૦ જેટલા ડૉક્ટરની ભરતી કરવામાં આવશે. આ સિવાય જનરલ સર્જનની ૨૦૦ જગ્યા ભરવામાં આવશે. ફિઝિશિયનની ૨૨૭ જગ્યા, ગાયનેકોલોજિસ્ટની ૨૭૩ જગ્યા પર ભરતી કરાશે તેમજ વીમા અધિકારીની ૧૪૭ જગ્યા પર ભરતી કરાશે.
લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર તમામ પોસ્ટ માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ પર ઓનલાઈન જ અરજી કરી શકશે. ૨૧ નવેમ્બર, ૨૦૨૪ બપોરે ૧ વાગ્યાથી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ રાત્રે ૧૧.૫૯ સુધી ઓનલાઈન જ અરજીઓ કરી શકે છે. આ સાથે જ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેમ કે ઉંમર ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી કરવાની ફી, ઓનલાઈન અરજી કરવાની રીત અને ભરતીના નિયમો વેબસાઈટ પર જ વાંચી શકે છે.
આ ભરતીમાં તબીબી અધિકારી, વીમા તબીબી અધિકારી (એલોપેથીક), બાયોકેમેસ્ટ્રીના ટ્યૂટર, કોમ્યુનિટી મેડીસીનના ટ્યૂટર, ફોરેન્સિક મેડીસીનના ટ્યૂટર, માઈક્રોબાયોલોજીના ટ્યૂટર, પેથોલોજીના ટ્યૂટર, ફીજીયોલોજીના ટ્યૂટર, એનેટોમીના ટ્યૂટર, કાર્માકોલોજીના ટ્યૂટર, જનરલ સર્જન, ફ્રિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક સર્જન, ડર્મેટોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ એનેસ્થેટીસ્ટ, કાર્ડિયોલોજી, મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી. સી.ટી.સર્જરી, કાર્ડિયોલોજી, ન્યૂરોસર્જરી, સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ફિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક સર્જન અને રેડિયોલોજીસ્ટની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
બે મહિના અગાઉ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ૧૯૦૩ સ્ટાફ નર્સની ભરતી કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. આ અગાઉ રાજ્યમાં ૧૦ વર્ષ પહેલાં સ્ટાફ નર્સ વર્ગ-૩ની કુલ ૭૭૮૫ જગ્યા મંજૂર કરાઇ હતી. એ મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો હતો. રાજ્યનાં વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ ૧૨,૧૦૧ જગ્યા મંજૂર કરાઈ હતી. આ સમગ્ર ભરતીપ્રક્રિયા ૬થી ૮ મહિનામાં પૂર્ણ કરાશે. રાજ્યમાં છેલ્લાં ૧૦ વર્ષમાં કુલ ૭૭૩૨ સ્ટાફ નર્સ વર્ગ-૩ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી હતી. સ્ટાફ નર્સની બઢતી/વયનિવૃત્ત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતીપ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.