ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો પર ફેરવ્યું બુલડોઝર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં મારૂતિનગરથી મદીના મસ્જિદ રોડ ૧૮ મીટરનો છે પરંતુ તેના પર દબાણ હોવાના કારણે આ રોડ સાંકડો થઈ રહ્યો છે. લાંબા સમયથી ફરિયાદ હતી પરંતુ તેના પરથી દબાણ દુર કરવાની કામગીરી થતી ન હતી. આ વિસ્તારમાં માથાભારે તત્વો દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાએ આ દબાણ દૂર કરતાં લિંબાયત વિસ્તારમાં લાંબા સમયથી સમસ્યાનો હાલ પુરતો અંત આવ્યો છે. આ રોડ પર દુકાનોની બહાર ઓટલા બનાવાયા હતા તે જેસીબીની મદદથી તોડવામાં આવ્યા હતા.
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર ૩૮ માં મારૂતિનગર ચોકથી લિંબાયત મદીના મસ્જીદ સુધીનો રોડ ૧૮ મીટરનો છે. પરંતુ આ વિસ્તારના દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દેવા સાથે બહાર દબાણ કરવા આવતા હોવાથી અડધો જ રોડ વાહન વ્યવહાર માટે ઉપયોગમા આવતો હોય આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થતી હતી.
જોકે, આ અંગેની ફરિયાદ બાદ પણ પાલિકા દબાણ દુર કરવાની કામગીરી કરી શકી ન હતી. આ વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કરતા હોવાથી પાલિકા દબાણ દુર કરવાની કામગીરી કરી શકતી ન હતી.લાંબા સમય બાદ આજે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાએ દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો હતો જોકે, પોલીસ અને પાલિકાના સિક્યુરીટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી. આ રોડ પર માથાભારે દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દીધા હતા તે ઓટલાને જેસીબીની મદદથી તોડી નાંખવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય દબાણ અને બોર્ડ દુર કરી દેવામાં આવ્યા છે. પાલિકાએ આ દબાણ દુર કરવા હાલ પૂરતો આ રોડ પરથી દબાણની સમસ્યા હળવી થઈ છે. પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની વાત કરી છે.