ફિલ્મ ગોધરા ટ્રેન સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગ પર આધારિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકારે પણ આજે બુધવારે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે માહિતી આપતાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ લખ્યું કે, ‘અમારી સરકારે રાજસ્થાનમાં ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ”ને કરમુક્ત કરવાનો અર્થપૂર્ણ ર્નિણય લીધો છે. આ ફિલ્મ ઈતિહાસના તે ભયાનક સમયગાળાને વાસ્તવિક રીતે દર્શાવે છે, જેને કેટલાક સ્વાર્થી તત્વોએ પોતાના હિતોને પૂર્ણ કરવા માટે વિકૃત કરવાનો દૂષિત પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મ તત્કાલિન તંત્રની વાસ્તવિકતાને અસરકારક રીતે ઉજાગર કરે છે એટલું જ નહીં, તે સમયના ભ્રામક અને ખોટા પ્રચારનું પણ ખંડન કરે છે. વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા અભિનીત ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ગોધરા ટ્રેન સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગ પર આધારિત છે.
શર્માએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક ઘટનાને ફિલ્મમાં અત્યંત સંવેદનશીલતા સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ જોવી જ જોઈએ કારણ કે ભૂતકાળનો ઊંડો અને વિવેચનાત્મક અભ્યાસ જ આપણને વર્તમાનને સમજવામાં અને ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડવામાં મદદ કરી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલા ભારતીય જનતા પાર્ટી શાસિત અન્ય ઘણા રાજ્યોએ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે. આ પહેલા છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી.
ફિલ્મની રિલીઝ પહેલા વિક્રાંત મેસીએ કહ્યું હતું કે, તેને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે, પરંતુ તે ચિંતિત નથી કારણ કે તેની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ૨૦૦૨માં ગોધરા ટ્રેન આગ પછીની ઘટનાઓ પર આધારિત છે. હકીકતો પર આધારિત છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ ફિલ્મ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવવાની ઘટના અને ત્યારબાદ ગુજરાતમાં થયેલા કોમી રમખાણો પર આધારિત છે. ગોધરા ટ્રેન સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસના જી-૬ કોચમાં આગ લાગતા ૫૯ લોકોના મૃત્યુ થયા હતા. તે ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.