અજિત પવારને ચાર વખત નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું , છતાં અન્યાય ?
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૦
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન થયું હતું. વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે બારામતીના માલેગામમાં મતદાન કર્યું છે.
મતદાન કર્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન ભત્રીજા અજિત પવાર પર આકરા પ્રહારો કર્યા છે. વાસ્તવમાં અજિત પવારના સમર્થમાં તેમના પરિવારે એક પત્ર વાંચ્યો હતો, તેમાં અજિતને મોટો અન્યાય થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે શરદ પવારે કટાક્ષ કરતા કહ્યું કે, ‘અજિત પવારને ચાર વખત નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું, ઘણાં વર્ષો સુધી મંત્રી રહ્યા, સત્તા તેમની પાસે રહી, છતાં પણ તેઓ કહી રહ્યા છે કે, તેમની સાથે અન્યાય થયો?’
શરદ પવારે કહ્યું કે, ‘અજિતને ઘણી વખત સત્તા આપવામાં આવી છે, છતાં તેઓ કહે છે કે, તેમની સાથે અન્યાય થયો છે, તેથી હવે એવો સવાલ થાય છે કે, શું ખરેખર તેમની સાથે અન્યાય થયો છે? યુગેન્દ્ર પવાર યુવા ચહેરો છે, તેથી તેમને એક તક મળવી જોઈએ.
શરદ પવારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘રાજ્યમાં મહાવિકાસ ઉઘાડીની સરકાર બનશે અને આ સરકાર સંપૂર્ણ બહુમતી સાથે આવશે. હું જ્યોતિશ નથી, તેથી બેઠકોની જીત અંગે કોઈ દાવો ન કરી શકું, જાેકે મને વિશ્વાસ છે કે, એમવીએ સંપૂર્ણ બહુમતી સાથે જીતશે.’
અજિત પવારે કાટેવાડીમાં મહાયુતિને ૧૭૫ બેઠકો મળવાનો દાવો કર્યો છે. આ મુદ્દે શરદ પવારે કહ્યું કે, ‘અજિતે ૧૭૫ બેઠકોનો દાવો કર્યો છે, પરંતુ તેમણે ૨૮૦ બેઠકો જાહેર કરવી જોઈતી હતી. જો અજિત પવારની ગણતરી સાચી હોય તો તેમણે કહેલા આંકડા વધુ હોવા જાેઈતા હતા.’
મહારાષ્ટ્રમાં રાજકારણમાં આખો દિવસ ખળભળાટ જોવા મળ્યો હતો. બહુજન વિકાસ અઘાડીના નેતાએ ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને તેમને એક હોટલમાંથી રોકડ સાથે પકડી પાડ્યા હતા.
તો બીજીતરફ ભાજપે ‘બિટકૉઈન કભાંડ’નો ઉલ્લેખ કરી એક ઑડિયો ક્લિપ વાયરલ કરી, તેમાં નાના પટોલે અને સુપ્રિયા સુલેનો અવાજ હોવાનો દાવો કર્યો હતો. આ મામલે અજિત પવારે પણ પ્રક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ કેસમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. હું પટોલે અને સુલેનો અવાજ ઓળખું છું, તેથી હું કહું છું કે, આ તેમના જ અવાજ છે. તપાસ થયા બાદ આ કૌભાંડનું સત્ય બહાર આવશે.’