ICC એ ખેલાડીઓની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી
તિલક વર્માએ બેટ્સમેનોની રેન્કિંગમાં ૬૯ સ્થાનોની મોટી છલાંગ લગાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC એ ખેલાડીઓની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા જોવા મળી રહી છે. સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાને નવા નંબર-૧ T – 20 ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની T – 20 ઈન્ટરનેશનલ સિરીઝમાં બે બેક ટુ બેક સદી ફટકારનાર યુવા બેટ્સમેન તિલક વર્માએ બેટ્સમેનોની રેન્કિંગમાં ૬૯ સ્થાનોની મોટી છલાંગ લગાવી છે.
આટલું જ નહીં બોલિંગથી કમાલ કરનાર સ્પિનર વરુણ ચક્રવર્તી અને બેટ્સમેન સંજૂ સેમસનને પણ ફાયદો થયો છે. ભારતના અનુભવી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ફરીથી વિશ્વના ટોચના T-20 I ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. પંડ્યાએ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની T-20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તે T- 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નંબર-૧ ઓલરાઉન્ડર બન્યો ગયો છે. તેમણે ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન અને નેપાળના દીપેન્દ્ર સિંહ એરીને પાછળ છોડી દીધા છે. ૨૨ વર્ષીય યુવા બેટ્સમેન તિલક વર્માએ ICC મેન્સ T-20 I રેન્કિંગમાં ટોપ ૧૦ બેટ્સમેનોની યાદીમાં મોટી છલાંગ લગાવી છે. તે ૬૯ ખેલાડીઓને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે તે હવે ભારતના ટોપ-રેટિંગ બેટ્સમેન છે, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક સ્થાન નીચે ચોથા સ્થાને આવી ગયો છે. તિલક વર્માએ દક્ષિણ આફ્રિકા સામે તાજેતરની T-20 આંતરરાષ્ટ્રીય સિરીઝની છેલ્લી બે મેચમાં સદી ફટકારીને મોટો ચમત્કાર કર્યો હતો.
દક્ષિણ આફ્રિકા T-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરો રહેલા સ્પિનર વરુણ ચક્રવર્તી અને ઓપનર બેટ્સમેન સંજુ સેમસનને પણ ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. વરુણ ચક્રવર્તી ટી૨૦ બોલરોની રેન્કિંગમાં ૩૬ સ્થાનોની મોટી છલાંગ લગાવીને ૨૮માં સ્થાને પહોંચી ગયો છે. તેમજ સંજુ સેમસન આ ફોર્મેટમાં બેટ્સમેનોની રેન્કિંગમાં ૨૨માં સ્થાને પહોંચી ગયો છે.