ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરાયું
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળના ત્રિશૂરમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપવા બદલ એક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે ઉપરાંત તેને ૨.૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના ૭ નવેમ્બરના રોજ ચાલકુડી વિસ્તારમાં બની હતી. એક એમ્બ્યુલન્સ પોનાનીથી ત્રિશૂર મેડિકલ કોલેજ જઈ રહી હતી, જેને કાર ચાલક જાણી જોઈને રસ્તો આપી રહ્યો ન હતો. આ ઘટનાનો એક વીડિયો પેરામેડિક્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં એક સિલ્વર કલરની મારુતિ સુઝુકી કાર ડબલ લેન વાળા રોડ પરથી પસાર થતી દેખાઈ રહી છે. તેના ડ્રાઈવરે જાણી જોઈને એમ્બ્યુલન્સને ૨ મિનિટથી વધુ સમય માટે રોકી રાખી હતી. આ સમય દરમિયાન, એમ્બ્યુલન્સનો ડ્રાઇવર સતત હોર્ન વગાડતો રહ્યો હતો, પરંતુ કારચાલકે તેની પરવા કરી નહોતી. એમ્બ્યુલન્સ દ્વારા કારને ઓવરટેક કરવાના વારંવાર પ્રયાસો કર્યાં હતાં, પરંતુ કાર ચાલક તેને આગળ જવા દેતો નહોતો. હવે અધિકારીઓએ કારના રજિસ્ટર્ડ નંબર દ્વારા ડ્રાઈવરની ઓળખ કરી લીધી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રિપોર્ટ અનુસાર, આરોપી ડ્રાઈવર પર મોટર વ્હીકલ એક્ટની અનેક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં ઇમરજન્સી વાહનને રોકવા, અધિકૃત સત્તાધિકારીની કામગીરીમાં અવરોધ નાખવો અને માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર ન હોવાનો સમાવેશ થાય છે. દંડની કુલ રકમમાં બહુવિધ ઉલ્લંઘનો માટેના નુકસાનનો સમાવેશ થાય છે, જે કટોકટીની સેવાઓમાં અવરોધની ગંભીરતાને પ્રતિબિંબિત કરે છે. મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૯૪ઈ મુજબ, એમ્બ્યુલન્સને રસ્તો આપવાનો ઇનકાર કરવા પર ૬ મહિના સુધીની જેલની જાેગવાઈ છે. ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.