‘દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ગંભીર શ્રેણીમાં’
પ્રદૂષણથી બચવા કરાવો કૃત્રિમ વરસાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી સહિત ઉત્તર ભારત પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. દિલ્હી-NCR માં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આવી સ્થિતિમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કૃત્રિમ વરસાદ માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું કે, ‘દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ગંભીર શ્રેણીમાં છે અને તેનો સામનો કરવા માટે કૃત્રિમ વરસાદ કરાવવો જરૂરી છે.’
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કૃત્રિમ વરસાદને લઈને વડાપ્રધાન મોદી પાસે હસ્તક્ષેપની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પર નિશાન સાધ્યું છે. તેમનું કહેવું છે કે દિલ્હીમાં પ્રદૂષણને લઈને રાજનીતિ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર ક્લાઉડ સીડિંગ અંગે બેઠક યોજી રહી નથી. ઓડ ઈવન પર ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રએ આ અંગે ટૂંક સમયમાં બેઠક યોજવી જોઈએ. દિલ્હી સરકારની અપીલ પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું.
ગોપાલ રાયે જણાવ્યુ કે, ‘મેં કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને ચાર પત્ર લખ્યા છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ૧૯મી નવેમ્બરે ચાર પત્ર લખવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ કૃત્રિમ વરસાદ પર એક પણ બેઠક બોલાવી ન હતી. આપણે દિલ્હીમાં ધુમ્મસની ચાદર દૂર કરવી પડશે.’
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દિલ્હી- NCR માં છેલ્લા બે દિવસથી ધુમ્મસની ચાદર છવાયેલી છે. મંગળવારે (૧૯ નવેમ્બર) આ સિઝનના બીજા દિવસે પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, દિલ્હી- NCR માં કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એ સોમવારથી GRAP – ૪ લાગુ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્હી વાયુ પ્રદૂષણને કારણે ગેસ ચેમ્બરમાં ફેરવાઇ રહી છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હવે લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થવા લાગી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. ડોક્ટરોનું કહેવુ છે કે પ્રદૂષણ વધતા લોકોમાં ઉધરસનું પ્રમાણ વધ્યું છે જેની સાથે આંખોમાં બળતરાના કેસો પણ વધી રહ્યા છે.