જયપુર એરપોર્ટ પર ૯ કલાક સુધી મુસાફરો રહ્યા પરેશાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેરિસથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં એક અજીબોગરીબ ઘટના બહાર આવી છે. આ ફ્લાઇટનો પાયલટ પોતાનો ડ્યૂટી ટાઈમ પૂરો થવાને કારણે ફ્લાઇટને અધવચ્ચે જયપુરમાં છોડીને ચાલ્યો ગયો હતો. પાયલટે કહ્યું કે, “તેની ફરજના કલાકો પૂરા થઈ ગયા છે.” ફ્લાઇટમાં સવાર ૧૮૦થી વધુ મુસાફરો જયપુર એરપોર્ટ પર ૯ કલાક સુધી પરેશાન રહ્યા હતા અને વૈકલ્પિક ફ્લાઇટની માંગ કરી હતી. આ પછી તેમને રોડ માર્ગે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે, આ ફ્લાઇટ એર ઈન્ડિયાની AI -૨૦૨૨ હતી, જે રવિવારે રાત્રે ૧૦ વાગ્યે પેરિસથી દિલ્હી માટે રવાના થઈ હતી. ફ્લાઇટનો નિર્ધારિત સમય સવારે ૧૦ઃ૩૫નો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે પ્લેન દિલ્હીમાં ઉતરી શક્યું ન હતું. આ પછી, એર ટ્રાફિક કંટ્રોલ ની સૂચના પર, પાયલટે ફ્લાઇટને જયપુરમાં લેન્ડ કરાવી, જ્યાં તે બપોર સુધી ફ્લાઇટ માટે ક્લિયરન્સની રાહ જાેતો રહ્યો. જ્યારે ક્લિયરન્સ મેળવવામાં વિલંબ થયો અને પાઇલટની ફરજનો સમય પૂરો થઈ ગયો, ત્યારે તેણે ફ્લાઇટ છોડી દીધી હતી, અને બોર્ડ પરના તમામ મુસાફરોને કોઈ સ્પષ્ટ ઉકેલ વિના રાહ જોવા માટે છોડી દીધા હતા.
રોષે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટ પર હંગામો મચાવ્યો હતો અને વૈકલ્પિક ફ્લાઇટની માગણી કરી હતી, પરંતુ એરલાઈન્સ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા.
જયપુર એરપોર્ટ પર લગભગ ૯ કલાક સુધી ૧૮૦થી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જાે કે, આ સમયગાળા દરમિયાન, એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોનો અસંતોષ દૂર કરવા માટે તેમને ભોજન અને અન્ય સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી કેટલાક મુસાફરો પોતાના અંગત વાહનોમાં દિલ્હી જવા રવાના થયા હતા. જ્યારે કેટલાકને એરલાઈન્સ કંપની દ્વારા બસ મારફતે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.