ચોરીનો અજીબોગરીબ કિસ્સો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી ચોરીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સગીરે પોતાના મોંઘા શોખ પૂરા કરવા માટે પોતાના ચાર મિત્રો સાથે મળીને પોતાના જ ઘરમાં હાથફેરો કરી નાખ્યો. પોલીસે સગીર અને તેના દોસ્તોની ધરપકડ કરી લીધી છે. ધરપકડ થયેલા બે દોસ્તો પર પહેલાથી જ ગેંગસ્ટરના કેસ નોંધાયેલા છે. માની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી તમામને જેલમાં મોકલી દીધા છે.
આખો કિસ્સો અમીનાબાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના હીવેટ રોડનો છે. ૧૬ નવેમ્બરના રોજ એક મહિલાના ઘરમાં ચોરી થઈ હતી. ઘરની તિજોરીમાંથી ૧૧ લાખના ઘરેણાં અને રોકડ રકમની ફરિયાદ નોંધાઈ હતી. મહિલાએ પોતાના સગીર દીકરા અને તેના દોસ્તો પર ચોરીનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી. મહિલાનું કહેવું હતું કે, ઘરની તિજોરીની ડુપ્લીકેટ ચાવી બનાવીને દીકરા અને તેના દોસ્તોએ ચોરી કરી છે. બે આરોપીઓ પર નોંધાયેલા છે ગેંગસ્ટરના કેસ
જે બાદ પોલીસે પીડિતાના સગીર દીકરા સહિત રાજ ઉર્ફ ગોલુ, ઓસામા, સલીમ સિદ્દીકી અને શફતની ધરપકડ કરી લીધી. પોલીસ તપાસમાં સલીમ સિદ્દીકી અને સફતના નામ સામે આવ્યા બાદ ધરપકડ થઈ છે. ઓસામા અને શફત પર ઠાકુરગંજ પોલીસ સ્ટેશનમાં પહેલાથી ગેંગસ્ટર એક્ટ સહિત ૩-૩ કેસ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ચોરેલા ઘરેણાં વેચીને સોનું લઈ લીધું. ત્યારબાદ તિજોરીમાં ડુપ્લીકેટ ઘરેણાં મૂકી દીધા. પોલીસે આરોપીઓ પાસેથી ૧ લાખ ૬૯ હજાર અને ૬૯ ગ્રામ સોનું જપ્ત કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ૧૮ ઓક્ટોબરના રોજ પરિવાર સાથે મહિલા જાલૌન ગઈ હતી. ઘરે એકલો ૧૭ વર્ષનો દીકરો હતો. આરોપ છે કે, માની ગેરહાજરીમાં દીકરાએ પોતાના ચાર દોસ્તોને ઘરે ચોરીનો પ્લાન બનાવવા માટે બોલાવ્યા. તેના માટે રેપિડો બુક કરીને ચાવી બનાવનારને બોલાવ્યો. તિજોરીની નકલી ચાવી બનાવીને રોકડ અને ઘરેણાં લઈને વેચી દીધા.