ભાજપના પૂર્વ કોર્પરેટરના પુત્રની હત્યાથી ચકચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. વિધર્મી સમુદાયના માથાભારે તત્વોએ ભાજપના પૂર્વ કોર્પરેટરના પુત્ર તપન પરમાર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન ભાજપ નેતાના પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવારે વ્હાલસોયો પુત્ર ગુમાવતા સયાજી હોસ્પિટલમાં ગમગીની છવાઇ ગઈ હતી. બીજી બાજુ, પોલીસની નજર સામે જ ગુનાને અંજામ આપ્યાનો આક્ષેપ પણ થઈ રહ્યા છે. આ મામલે પોલીસે CCTV ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં નાગરવાડા સરકારી સ્કૂલ નજીક આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી કરવા માટે બે યુવક ગયા હતા. જ્યાં લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના યુવક બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી. ત્યારે પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર તલવારથી હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોનાં ટોળાં એકઠાં થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કરતા કહ્યું છે કે, પોલીસ તપાસમાં સહકાર આપતી નથી. હું પૂર્વ કોર્પોરેટર છું અને પોલીસની કામગીરીમાં સાથ આપ્યો છે. પરિવારજનોએ પોલીસ મથક માથે લીધું છે. સમગ્ર ઘટના મામલે પરિજનો તેમજ સ્થાનિકોએ હોબાળો કર્યો છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર થઈ ગયા છે.
સયાજી હોસ્પિટલમાં એક બાજુ ઘવાયેલા બે યુવકોને સારવાર આપવામાં આવી રહી છે, ત્યાં બીજી બાજુ બાબર પઠાણ નામના હુમલાખોરે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો બનતા નાગરવાડા વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાજકીય અગ્રણીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ૫ શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. તપન પરમારની હત્યામાં બાબર પઠાણની પત્ની પણ સામેલ હોવાની શંકા છે.