1 વ્યક્તિની હત્યાની ચકચારી ઘટના બાદ લેવાયો નિર્ણય
શહેરમાં છેલ્લા ઘણાં સમયથી હત્યા, લૂંટ, અપહરણ અને મારામારી ઘટનામાં વધારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એ. પટેલને છેવટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં થયેલી હત્યાના સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. શહેરમાં છેલ્લા ઘણાં સમયથી હત્યા, લૂંટ, અપહરણ અને મારામારી ઘટનામાં વધારો થઈ રહ્યો છે. કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એક વ્યક્તિની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બહાર હજારો લોકો ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બનતા અમદાવાદ પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને સસ્પેન્ડ કરી દીધા છે.
અહેવાલ અનુસાર અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે યુવકની તલવારના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસે ૨ કિશોરને રાઉન્ડઅપ કર્યા છે. મૃતક નાનકો ઠાકોર અને આરોપી વચ્ચે અંગત અદાવત અને રૂપિયાની લેતીદેતી મામલે અગાઉ પણ ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
એ ઘટનાને પગલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બહાર હજારો લોકો ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોના ટોળાએ સુત્રોચ્ચાર સાથે પોલીસનો ઉગ્ર વિરોધ કર્યો હતો. લોકોનો વિરોધ ઉગ્ર બનતા અમદાવાદ પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને સસ્પેન્ડ કરી દીધા છે. હત્યાની ઘટના અને ત્યાર બાદ કોઈ કાર્યવાહી ન કરવા બદલ PI સામે પગલાં લેવાયાં છે.