સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી
દિલ્હીમાં ધોરણ ૯ સુધીની શાળાઓમાં ઓનલાઈન ક્લાસ ચાલુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હી-NCR માં વધી રહેલા આ વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે દિલ્હી સરકારને ફટકાર લગાવતા પૂછ્યું કે, GRAP પહેલા કેમ લાગુ ન કરવામાં આવ્યું? એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સ્તર ૩૦૦થી ઉપર હતું ત્યારે GRAP -૩ શા માટે લાગુ કરવામાં ન આવ્યું? સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, ૧૩ નવેમ્બરે AQI ૪૦૧ને પાર કરી ગયો, પરંતુ ત્રણ દિવસ પછી કેમ GRAP -૩ લાગુ કરવામાં આવ્યું?
જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેંચે સુનાવણી હાથ ધરી હતી. ૧૪ નવેમ્બરે દિલ્હીમાં ખતરનાક પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માગણી કરતા એમાઇકસે કહ્યું કે, આજે આપણે ગંભીર પરિસ્થિતિમાં છીએ. સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. આપણે દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર ન બનવા દેવું જોઈએ. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વધતા પ્રદૂષણ પર રાજ્ય સરકારોને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, જ્યાં સુધી પ્રદૂષણ સંબંધિત મામલામાં કડક ર્નિણય નહીં લેવામાં આવે ત્યાં સુધી કંઈ થશે નહીં.
મહત્ત્વપૂર્ણ છે કે, દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. સોમવારે AQI ૪૮૧ નોંધાયું હતું. તેને જોતા આજથી દિલ્હીમાં GRAP -૪ લાગુ કરવામાં આવ્યું છે. રવિવારે AQI ૪૫૦ પર પહોંચ્યા પછી GRAP ૪ લાગુ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો, પરંતુ આજે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને દ્વારકા-નજફગઢ સહિત ઘણા સ્થળો પર AQI ૫૦૦ અને તેની નજીક નોંધાયું હતું. NCR ની હાલત પણ આવી જ છે. નોઈડામાં AQI ૩૮૪, ગાઝિયાબાદમાં ૪૦૦, ગુરુગ્રામમાં ૪૪૬ અને ફરીદાબાદમાં ૩૩૬ નોંધાયું હતું. દિલ્હીમાં ધોરણ ૯ સુધીની શાળાઓમાં ઓનલાઈન ક્લાસ ચાલુ છે.