ગુમ થયેલા લોકોમાં ત્રણ મહિલા અને ત્રણ માસૂમ બાળકોનો સમાવેશ
૬ લોકો પૈકી ૩ લોકોના મળ્યા મૃતદેહ
(સંપૂર્ણ સમાચાર સેવા )
મણિપુરના જીરીબામથી ગુમ થયેલા એક પરિવારના છ લોકોમાંથી ત્રણના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, આ લોકોનું જીરીબામ કેમ્પમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ગુમ થયેલા લોકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ માસૂમ બાળકોનો સમાવેશ થાય છે, જેમની મુક્તિ માટે તેમના પિતા લૈશરામે ઈમોશનલ અપીલ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ નિર્દોષ છે. આ પહેલા શુક્રવારે પોલીસે આસામ-મણિપુર બોર્ડર પાસે જીરીમુખમાં ત્રણ લોકોના મૃતદેહ મળ્યા હતા.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, કુકી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર બાદ થોડા દિવસો પહેલા રાહત શિબિરમાંથી ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણ મણિપુર-આસામ સરહદ નજીક મૃત મળી આવ્યા છે. આરોપ છે કે, આતંકવાદીઓએ તેમનું અપહરણ કરીને તેમને બંધક બનાવી લીધા હતા. તેમના પરિવારના સભ્યો ગુમ થયા પછી, ઇમ્ફાલમાં તૈનાત ભારતીય રિઝર્વ બટાલિયન લૈશરામ નાયકજીતે તેમની મુક્તિ માટે ઈમોશનલ અપીલ કરી અને અધિકારીઓને તેમના પરિવારના સભ્યોને શક્ય તેટલી વહેલી તકે શોધવાની વિનંતી કરી હતી.
બે બાળકોના પિતા અને ઇમ્ફાલમાં તૈનાત ઇન્ડિયન રિઝર્વ બટાલિયન લૈશરામ નાયકજીતે પોતાના પરિવારની સુરક્ષિત વાપસી માટે ઈમોશનલ અપીલ કરી અને કહ્યું કે, તેઓ નિર્દોષ છે. હું લૈશરામ નાયકજીત છું, હું થંબલખોંગનો રહેવાસી છું. હું સરકારી કર્મચારી છું, હું ભારતીય રિઝર્વ બટાલિયનનો સૈનિક છું અને ઇમ્ફાલમાં પોસ્ટેડ છું. ગુમ થયેલા લોકોમાં મારા પત્ની, મારા બે બાળકો, મારા સાસુ અને મારા પત્નીના બહેનનો સમાવેશ થાય છે. સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી તેના વિશે કોઈ માહિતી મળી નથી. મને એ પણ ખબર નથી કે તે જીવિત છે કે નહીં.”
નાયકજીતે જણાવ્યું કે, અથડામણ દરમિયાન તેમના પત્નીએ તેમને ફોન પર કોલ કર્યો હતો. રડતા રડતા તેમણે કહ્યું કે, ઘણા સશસ્ત્ર લોકોએ તેને ઘેરી લીધા હતા. આ પછી અચાનક કોલ ડિસકનેક્ટ થઈ ગયો, ત્યારપછી જ્યારે મેં ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. મારા સાસુનો ફોન પણ સ્વીચ ઓફ હતો. લગભગ એક કલાક પછી, અમારા એક પરિચિતે અમને કહ્યું કે તેમના પત્ની અને બાળકોને સશસ્ત્ર લોકો બોટમાં બેસાડીને લઈ જઈ રહ્યાં હતા. તેમણે કહ્યું, “તે બધા નિર્દોષ છે. મારા બે બાળકો હજી બોલી શકતા નથી. મોટા બાળકે હમણાં જ બોલવાનું શરૂ કર્યું છે. કૃપા કરીને તેમને સુરક્ષિત રીતે મુક્ત કરો અને તેમના પરિવારને સોંપો.”
નાયકજીતે કહ્યું કે, “જ્યારથી મારા પરિવારના સભ્યો ગુમ થયા છે, ત્યારથી હું ઊંઘી શક્યો નથી. હું ખૂબ જ અસહાય અનુભવી રહ્યો છું અને દરેક અધિકારીઓને મારા પરિવારના સભ્યોને શોધવા માટે વિનંતી કરી રહ્યો છું. એક પોલીસ કર્મચારી હોવા છતાં, હું મારા પરિવારના સભ્યોને શોધવા માટે લાચાર છું.” ઉલ્લેખનીય છે કે, જીરીબામના જાકુરાધોર અને બોરોબેકડા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટર પછીની આ વાત છે, જેમાં ૧૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર બાદ મીતેઈ સમુદાયના છ લોકો ગુમ છે, જેના કારણે વિસ્તારમાં તણાવ વધી ગયો છે.