બે ભારતીય ખેલાડી ઑસ્ટ્રેલિયા પર ભારે પડશે
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે આપ્યું નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૫ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ મેચ ૨૨ નવેમ્બરે પર્થમાં રમાશે. ભારતીય ટીમને છેલ્લી ટેસ્ટ સીરિઝમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામેની આ સીરિઝ કોઈપણ રીતે જીતવી પડશે. ભારતીય ટીમે ૫ ટેસ્ટ મેચની સીરિઝમાં ઓછામાં ઓછી ૪ ટેસ્ટ મેચ જીતવી પડશે.
આ દરમિયાન હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે ભારતીય ટીમને લઈને એક નિવેદન આપ્યું હતું. ક્લાર્કે ભારત માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની ફોર્મ્યુલા જણાવી છે. એક ઈન્ટરવ્યુમાં ક્લાર્કે કહ્યું હતું કે, ‘જો ભારતીય ટીમે સીરિઝ જીતવી હશે તો વિરાટ કોહલી અને રિષભ પંતે ઘણાં રન બનાવવા પડશે.’ પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું કે, ‘ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. મને લાગે છે કે તેનો અહીંનો રેકોર્ડ ભારત કરતા સારો છે. તેણે ઓસ્ટ્રેલિયામાં ૧૩ ટેસ્ટ મેચમાં ૬ સદી ફટકારી છે. જો ભારતને આ સીરિઝ જીતવી હશે તો વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવવા પડશે અને રિષભ પંતે પણ શાનદાર પ્રદર્શન કરવું પડશે. આ બે ખેલાડીઓ ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે.
આ ટેસ્ટ મેચમાં કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. કોહલીએ પર્થમાં અત્યાર સુધીમાં બે ટેસ્ટ રમી છે. જેમાં તેણે જાન્યુઆરી ૨૦૧૨માં બે ઇનિંગ્સમાં ૪૪ અને ૭૫ રન બનાવ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાએ એક ઇનિંગ્સ અને ૩૭ રનથી જીતી મેળવી હતી. કોહલીએ વર્ષ ૨૦૧૮માં કેપ્ટન તરીકે પર્થમાં બીજી ટેસ્ટ રમી હતી. જેમાં તે સદી ફટકારનાર પહેલો બેટર બન્યો હતો. અગાઉ જાન્યુઆરી ૨૦૨૧માં ગાબા ખાતે ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસની ચોથી અને અંતિમ ટેસ્ટ દરમિયાન રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર ઇનિંગ રમી હતી. પાંચમા દિવસે ૩૨૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પંતે ૧૩૮ બોલમાં અણનમ ૮૯ રન બનાવ્યા હતા. જેના કારણે ભારતે જોરદાર જીત મેળવી હતી. આ મેદાન છે જ્યાં ઓસ્ટ્રેલિયા ૩૨ વર્ષથી ટેસ્ટ મેચમાં કયારેય હર્યું નથી.