ભાજપના મહિલા નેતા પર હુમલાનો પ્રયાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં ચૂંટણી જંગ જામ્યો છે. મહારાષ્ટ્રના અમરાવતીમાં ભાજપના સ્ટાર પ્રચારક નવનીત રાણાની જાહેર સભામાં ભારે હોબાળો મચી ગયાની ઘટના સામે આવી છે. આ ઘટના શનિવારના રોજ બની હતી, જ્યારે અમરાવતી જિલ્લાના દરિયાપુર તાલુકાના ખલ્લરમાં નવનીત રાણાની સભામાં હંગામો થયો હતો. લોકો એકબીજા પર ખુરશીઓ ફેંકતા અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. અરાજકતા વચ્ચે સુરક્ષાકર્મીઓએ નવનીત રાણાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભાજપના સ્ટાર પ્રચારક અને પૂર્વ સાંસદ નવનીત રાણા દરિયાપુરથી યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. તેમના પ્રમૉશન માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેટલાક મુદ્દે ચર્ચા થઈ હતી, જેણે હોબાળાનું સ્વરૂપ લીધું હતું. આ પછી કાર્યકર્તાઓએ એકબીજા પર ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મામલે નવનીત રાણા વતી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ સાંસદ નવનીત રાણા તેમની રેલીમાં થયેલી હિંસાને જોતા તેમના સમર્થકો સાથે ખલ્લર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને કાર્યવાહી કરતી વખતે વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી બાદ પોલીસે સ્થળ પર સુરક્ષા વધારી દીધી હતી, ત્યારબાદ શાંતિનો માહોલ સર્જાયો હતો.
ઓક્ટોબર ૨૦૨૪ માં પૂર્વ સાંસદ નવનીત રાણાને એક પત્ર દ્વારા ધમકી મળી હતી, જેમાં તેમની પાસેથી ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ પત્ર તેમને સ્પીડ પોસ્ટ દ્વારા આવ્યો હતો, જેના પર આમિરનું નામ લખેલું હતું. આ પછી પૂર્વ સાંસદના અંગત સચિવે અમરાવતીના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે નવનીત રાણાના સ્ટાફ મેમ્બરને આ પત્ર મળ્યો હતો.