ભારત માટે ખતરાની ઘંટી
પાકિસ્તાનમાં કામ કરી રહેલા એન્જિનિયરોની સુરક્ષા માટે સિક્યોરિટી ફોર્સ તહેનાત કરવાની તૈયારીમાં
પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચીનના લોકો પર સતત હુમલા થઈ રહ્યાં છે. આ દરમિયાન ચર્ચા છે કે ચીન હવે પાકિસ્તાનમાં પોતાની સિક્યોરિટી ફોર્સને તહેનાત કરવા ઈચ્છે છે અને તેની મંજૂરી આપવા માટે પાકિસ્તાન પર દબાણ બનાવી રહ્યાં છે. ગયા મહિને કરાચી એરપોર્ટ પર એક બોમ્બ બ્લાસ્ટમાં બે ચીની એન્જિનિયરોના મૃત્યુ થયા હતા. બંને એન્જિનિયર થાઈલેન્ડથી રજા ગાળ્યા બાદ કામ પર પરત ફર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીન હવે પાકિસ્તાનમાં કામ કરી રહેલા એન્જિનિયરોની સુરક્ષા માટે સિક્યોરિટી ફોર્સ તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે.
પાકિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ્સ પર ચીનના એન્જિનિયર કામ કરી રહ્યાં છે. જેમાં સૌથી મહત્વનો ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર છે. સીપીઈસી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ’ નો ભાગ છે. આ વર્ષે સીપીઈસી પર કામ કરી રહેલા ઘણા ચીનના એન્જિનિયરો પર હુમલા થયા છે. એક પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે ચીન પોતાની સિક્યોરિટી ફોર્સને અહીં તહેનાત કરવા ઈચ્છે છે. આ માટે ચીને પાકિસ્તાનને લેખિતમાં પ્રસ્તાવ મોકલ્યો છે. પાકિસ્તાન અત્યાર સુધી આની પર સહમત થયું નથી. પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ પણ ચીનના આ પ્રસ્તાવ વિરુદ્ધ છે.
પાકિસ્તાનમાં લગભગ ૩૦ હજાર ચીની નાગરિક કામ કરે છે. તેમાં ત્રણ હજાર કિલોમીટર લાંબો આ કોરિડોર ચીનના કાશગરથી શરૂ થાય છે અને પાકિસ્તાનના ગ્વાદર પર ખતમ થાય છે. ગ્વાદર બલૂચિસ્તાનમાં છે. બલૂચોનો આરોપ છે કે ચીન અને પાકિસ્તાન તેમના સંસાધનો પર કબ્જો કરી રહ્યું છે. આ કારણ છે કે બલૂચ લિબરેશન આર્મી આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા લોકો અને એન્જિનિયરોને ટાર્ગેટ કરી રહી છે.
ચીની વર્કર્સ પર હુમલો કરવાનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે. ૨૦૧૮માં કરાચીમાં ચીની કોન્સ્યુલેટની બહાર બોમ્બ બ્લાસ્ટ, ૨૦૧૯માં ગ્વાદર પર્લ કોન્ટિનેન્ટલ હોટલ, ૨૦૨૦માં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ અને ૨૦૨૨માં કરાચી યુનિવર્સિટીમાં હુમલા થઈ ચૂક્યા છે. ઓગસ્ટ ૨૦૨૧માં ગ્વાદરમાં ચીની વર્કર્સના એક કાફલા પર હુમલો થઈ ગયો હતો, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ પહેલા જુલાઈમાં ખૈબર પખ્તૂનખ્વાહમાં ચીની વર્કર્સને લઈ જઈ રહેલી બસ પર હુમલો થયો હતો, જેમાં ૯ લોકોના મોત થઈ ગયા હતા.
બલૂચોનો આરોપ છે કે સંસાધનોથી સમૃદ્ધ થયા છતાં બલૂચિસ્તાન આર્થિક રીતે પછાત છે અને તે આ માટે માત્ર પાકિસ્તાનની સરકાર જ નહીં, પરંતુ ચીનને પણ જવાબદાર માને છે. તે સિવાય અન્ય બીજા આતંકી સંગઠન પણ ચીનના નાગરિકોને નિશાન બનાવતાં રહે છે. ૨૦૧૭માં ક્વેટામાં એક ચીની કપલનું અપહરણ કરીને હત્યા કરી દેવાઈ હતી. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એ પણ ઘણા ચીની નાગરિકોને નિશાન બનાવ્યા છે. આ હુમલાથી ચીન નારાજ થઈ ગયું છે. તે લાંબા સમયથી પોતાના નાગરિકોની સુરક્ષા માટે પોતાની સિક્યોરિટી ફોર્સને તહેનાત કરવા માટે પાકિસ્તાન પર દબાણ બનાવી રહ્યું છે.
તાજેતરમાં જ એક બેઠક થઈ હતી, જેમાં ચીની અધિકારીઓએ એ વાતના પુરાવા રજૂ કર્યાં છે કે પાકિસ્તાન ચીની વર્કર્સના સિક્યોરિટી પ્રોટોકોલનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચીની વર્કર્સ માટે એક સિક્યોરિટી પ્રોટોકોલ છે, જેની પર બંને દેશની પરવાનગી છે. જ્યારે ચીની વર્કર્સ કામ કરી રહ્યાં હોય છે કે અવર-જવર કરે છે તો તેમને હાઈ લેવલની સિક્યોરિટી આપવામાં આવે છે. બેઠકમાં ચીને મહીનામાં બે વખત સિક્યોરિટી પ્રોટોકોલનું પાલન ન કરવાનો દાવો કર્યો છે.
કરાચી એરપોર્ટ પર બે ચીની એન્જિનિયરોના મોત બાદથી ચીન રોષે ભરાયેલું છે. ચીની અધિકારીઓનો દાવો છે કે એરપોર્ટની બહાર લગભગ ૪૦ મિનિટ સુધી ૧૦૦ કિલો વિસ્ફોટકોથી ભરેલું ટ્રક મંડરાતું રહ્યું. તેની તપાસ કરવામાં આવી નથી અને આખરે તેણે ચીની એન્જિનિયરોને લઈને જઈ રહેલી કારને ટક્કર મારી દીધી. ચીને આને ગંભીર સિક્યોરિટી બ્રીચ માન્યું હતું. ચીની અધિકારીઓનું તો એ પણ માનવું છે કે તે ચીની એન્જિનિયરોના શેડ્યૂલની જાણકારી ‘અંદર’ થી જ મળી હતી.
ચીન પોતાના વર્કર્સની સુરક્ષા માટે પોતાની સિક્યોરિટી ફોર્સ તહેનાત કરવા ઈચ્છે છે. જોકે, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ તેના વિરુદ્ધ છે. પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટની આસપાસ જ ચીનની સિક્યોરિટી ફોર્સ તહેનાત થઈ શકે છે.
ચીને પાકિસ્તાનમાં ૬૨ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટને ૨૦૧૫માં શરૂ કરવામાં આવ્યો હતો. આ કોરિડોરમાં હાઈવે, રેલવે લાઈન, પાઈપલાઈન અને ઓપ્ટિકલ કેબલનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. ચીન સતત પોતાની સિક્યોરિટી ફોર્સ મોકલવાની મંજૂરી આપવા માટે પાકિસ્તાન પર દબાણ બનાવી રહ્યું છે. અત્યાર સુધી તો પાકિસ્તાને તેની મંજૂરી આપી નથી પરંતુ ચીન તેનો પાક્કો મિત્ર છે અને શક્ય છે કે આજે નહીં તો કાલે, તે તેની મંજૂરી આપી દે.
જો પાકિસ્તાન તેની મંજૂરી આપે છે તો ચીનની સેના ત્યાં તહેનાત થઈ જશે
આ ભારત માટે ચિંતા વધારનારી વાત હશે. કેમ કે તેનાથી ચીનની સેના ભારતમાં પણ આવી જશે, કેમ કે અહીં પણ ઘણા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. ભારત કોઈ પણ વિદેશી સેનાની હાજરી સહન કરશે નહીં. પાકિસ્તાનમાં ચીની સેનાની હાજરી ભારતની ઉત્તર સરહદની પાસે ચીનની દખલગિરી વધારશે. તેનાથી ભવિષ્યમાં ભારત અને ચીન વચ્ચે ઉત્તર સરહદ પર પણ તણાવ વધવાનું જોખમ હોઈ શકે છે.