૮ દિવસના મિશન પર અંતરિક્ષમાં ગયેલા સુનિતા વિલિયમ્સ ૧૫૦ દિવસ વીત્યા છતાં પરત નથી ફર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર વજન ઘટવાને લઈને આવી રહેલા રિપોર્ટ પર પ્રથમ વખત જવાબ આપ્યો છે. સુનીતા વિલિયમ્સના વજનને લઈને ત્યારે ચર્ચા શરૂ થઈ જ્યારે તેના નબળા રૂપની તસવીરો સામે આવી. આ તસવીરોમાં તે પહેલા કરતા ખૂબ નબળી અને દુબળી દેખાઈ રહી હતી, ત્યારબાદ ઝડપથી તેમનો વજન ઘટી રહ્યો હોવાની ચિંતા વધી ગઈ હતી. હવે નાસાના અવકાશયાત્રીએ પ્રથમ વાર આ સમાચારો અંગે પોતાનું મૌન તોડ્યું છે.
વજન ઘટી જવાની ચિંતા વચ્ચે સુનિતા વિલિયમ્સનું નાસા સાથેનું એક ઈન્ટરવ્યુ આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, ‘મને લાગે છે કે મારા શરીરમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ મારું વજન એટલું જ છે.’ સુનિતા વિલિયમ્સ આ જ વર્ષે ૮ દિવસના મિશન પર અંતરિક્ષમાં ગઈ હતી, પરંતુ ૧૫૦ દિવસ વીતી ગયા છતાં તે પરત નથી ફરી શકી.
સુનિતા વિલિયમ્સે કહ્યું કે, ‘અહીં (સ્પેસ સ્ટેશન પર) ઘણા બધા ફેરફારો થતાં રહે છે. તે રસપ્રદ છે, મને લાગે છે કે, કેટલીક અફવાઓ છે કે મારું વજન ઘટી રહ્યું છે અને બીજુ બધું. પરંતુ હકીકતમાં મારું વજન જેટલું હતું એટલું જ છે. અમે અમારું વજન માપીએ છીએ, અમારી પાસે સ્પ્રિંગ માસ છે …બુચ અને હું અમે અહીં પહોંચ્યા અને તે સમયે જેટલું વજન કર્યું હતું તેટલું જ વજન અમારું હાલમાં પણ છે.’
સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર એક મિશન પર ગયા હતા. તેમનું મિશન દસ દિવસનું હતું, પરંતુ તેમના બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવ્યો હતો. સ્પેસક્રાફ્ટમાંથી હિલિયમ લીક થતું હતું અને થ્રસ્ટર ફેઇલ થઈ ગયું હતું. નાસાને લાગ્યું કે સ્ટારલાઇનરને ક્રૂ વગર ધરતી પર લાવવું વધુ સલામત છે, જેથી તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોકાવું પડ્યું હતું.
સુનિતા વિલિયમ્સને પરત લાવવા માટે સ્પેસએક્સનું ક્રૂ ડ્રેગન મોકલવામાં આવ્યું છે પરંતુ તે ફેબ્રુઆરી ૨૦૨૫ પહેલા પરત આવે તેવી શક્યતા નથી. એનો અર્થ એ કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું ૮ દિવસનું મિશન હવે ૮ મહિના માટે લંબાઈ ગયું છે.