સરકારે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ શરૂ કરી
પ્રથમ દિવસે જ ૧.૮૧ લાખથી વધુ પેન્શનરોએ લાભ મેળવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેન્શન એ આવકનો એકમાત્ર સ્ત્રોત છે, જેના પર ઘણા લોકો નિવૃત્તિમાં આધાર રાખે છે. ઘણાનું જીવન આ માસિક પેન્શન પર આધાર રાખે છે. પરંતુ પેન્શન મેળવવા માટે દર વર્ષે જીવન પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે. વૃધ્ધ લોકો ખાસ કરીને શારીરિક સમસ્યાઓ ધરાવતા લોકો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું મુશ્કેલ હોય છે. હવે સરકાર આ સમસ્યાના ઉકેલ માટે આગળ આવી છે. કેન્દ્ર દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ દિવસે ૧.૮ લાખથી વધુ પેન્શનરોએ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવ્યા છે.
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા દેશભરમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન દેશના ૮૦૦ શહેરોમાં ચાલી રહ્યું છે. આ અભિયાન ૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી ચાલશે. સરકારના આ અભિયાનના પ્રથમ દિવસે ૧.૮૧ લાખ વરિષ્ઠ નાગરિકોએ ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવ્યા છે. જીવન પ્રમાણપત્ર ૩૦ નવેમ્બર સુધીમાં જમા કરાવવાનું રહેશે. જેઓ બેંક અથવા અન્ય કોઈ કેન્દ્રની મુલાકાત લઈને જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકતા નથી તેઓ જીવન પ્રમાણપત્ર ઓનલાઇન મેળવી શકે છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ અભિયાનમાં ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ માટે ટેક્નિકલ સપોર્ટ આપશે.
આમાં વરિષ્ઠ નાગરિકો ઘરે બેઠા એન્ડ્રોઇડ મોબાઇલ પર ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. આ નવી પહેલ સાથે, સરકારે પેન્શનરો માટે એક નવો રસ્તો ખોલ્યો છે, જે તેમને ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરવાની તક આપશે.