આગ લાગતા ડ્રાઇવર ઘટના સ્થળેથી થયો ફરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાઝિયાબાદના સાહિબાબાદમાં કૌશાંબી પોલીસ સ્ટેશન નજીક સવારે એક ખાનગી સ્કુલ બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં બાળકો બસમાં હાજર હતા તે દરમિયાન આગ ભભૂકી હતી. જ્યાં આગ લાગતાં ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો. રાહતની વાત એ રહી કે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા. માહિતી મળવા પર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો.
મળતી જાણકારી અનુસાર વૈશાલી ફાયર સ્ટેશન પર સ્કુલ બસમાં આગ લાગવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારી રાહુલ પાલ ટીમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘટના સ્થળે તપાસ કરી અને આગ લાગવાના કારણની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. જાેકે, હજુ બસમાં આગ કેવી રીતે લાગી તે માહિતી મળી નથી. પોલીસના જણાવ્યા અનુસાર બસમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો. બાળક બસમાંથી ઉતરી રહ્યા હતા. બાળકોને ઝડપથી બસમાંથી ઉતારવામાં આવ્યા. ત્યારે બસથી આગની જ્વાળાઓ નીકળવા લાગી.
જ્યારે બાળકોના વાલીઓને બસમાં આગ લાગવાની માહિતી મળી તો તેઓ ચોંકી ગયા. તમામ બાળકોના પરિવારજનો અફરા-તફરીમાં ઘટના સ્થળે પહોંચ્યા. જ્યારે બાળકોને બસમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ત્યારે તમામ વાલીઓએ રાહતના શ્વાસ લીધા. તે બાદ તમામ વાલી પોત-પોતાના બાળકોને ઘરે લઈ ગયા. આ ઘટનાથી બાળકોની અંદર ડર બેસી ગયો છે. તપાસમાં સામે આવ્યું કે આ બસ દિલ્હી પ્રીત વિહારના મધર્સ ગ્લોબલ સ્કુલની છે. બસમાં લગભગ ૧૬ બાળકો સવાર હતા. ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારી રાહુલ પાલે જણાવ્યું કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. ઘટના દરમિયાન ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો હતો. આગથી કોઈ જાનહાનિ થઈ નથી.