MCX ગોલ્ડ રૂ.૯૩૨ અને ચાંદીમાં રૂ.૨,૦૫૩નો કડાકો
સોનું વધુ ૧૩૦૦ રૂપિયા સસ્તું થયું તો ચાંદીમાં રૂ. ૩૫૦૦નો ઘટાડો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં તેજીના કારણે કિંમતી ધાતુમાં કડાકાની અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી છે. આ સપ્તાહમાં અત્યારસુધીમાં સોના-ચાંદીના ભાવમાં રૂ. ૩૫૦૦નો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે ઓલટાઈમ હાઈથી સોનું રૂ. ૫૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ સસ્તુ થયું છે. જે ૩૦ ઓક્ટોબરે રૂ. ૮૨૩૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઐતિહાસિક ટોચે હતું.
અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનું વધુ રૂ. ૧૩૦૦ સસ્તુ થઈ રૂ. ૭૬૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદીની કિંમત રૂ. ૩૫૦૦ ઘટી રૂ. ૮૮૦૦૦ પ્રતિ કિગ્રા થઈ હતી. વૈશ્વિક સ્તરે ગોલ્ડ સ્પોટ ૨૫.૭૦ ડોલર તૂટી ૨૫૬૦.૮૦ પ્રતિ ઔંશ સાથે આઠ સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. ચાંદીનો ભાવ ૦.૫૮૮ ડોલર તૂટી ૩૦.૦૭ ડોલર પ્રતિ અંશ થયો હતો.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ફુગાવા તરફી ર્નિણયો લેવાની આશંકા છે. જેના પગલે ડોલર ઈન્ડેક્સ સતત મજબૂત બની રહ્યો છે. યુએસ ટ્રેઝરી યીલ્ડ પણ નવી ઊંચાઈએ પહોંચી છે. યુએસ ડોલર વર્ષની ટોચે ટ્રેડ થઈ રહ્યો છે. પરિણામે કિંમતી ધાતુનો ચાર્મ ઘટ્યો છે. કિંમતી ધાતુમાં હજી ઘટાડાની સંભાવનાઓ કોમોડિટી નિષ્ણાતો જણાવી રહ્યા છે.
MCX ખાતે સોના અને ચાંદીના વાયદામાં કડાકો નોંધાયો છે. MCX સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭૩૯૯૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૭૩૯૯૬ અને નીચામાં રૂ.૭૩૩૦૦ના સ્તરને સ્પર્શી, રૂ.૭૪૪૮૨ના આગલા બંધ સામે રૂ.૯૩૨ના ભાવઘટાડા સાથે રૂ.૭૩૫૫૦ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૬૦૧ ઘટી રૂ.૬૦૧૪૦ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૯૧ ઘટી રૂ.૭૪૮૪ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૯૫૫ના ભાવઘટાડા સાથે રૂ.૭૩૫૫૯ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૮૯૦૦૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૮૯૦૦૦ અને નીચામાં રૂ.૮૬૮૪૪ના મથાળે અથડાઈ, રૂ.૮૯૧૯૭ના આગલા બંધ સામે રૂ.૨૦૫૩ના ભાવઘટાડા સાથે રૂ.૮૭૧૪૪ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.૨૦૨૮ ઘટી રૂ.૮૭૦૪૬ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.૨૦૦૯ ઘટી રૂ.૮૭૦૪૮ના ભાવ થયા હતા.