છેલ્લા કેટલાક વર્ષોથી નથી યોજાઇ ફ્લેગ મીટિંગ
બંને દેશોએ સરહદ પર શાંતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મીટિંગ (FLAG MEETING) નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં લાઈન ઓફ કંટ્રોલ (LOC ) પર ગોળીબાર IED બોમ્બ હુમલાની તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ તણાવ ઘટાડવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ સરહદ પર શાંતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. આ મીટિંગ ૭૫ મિનિટ સુધી ચાલી હતી.
છેલ્લા કેટલાક સપ્તાહથી LOC પર તણાવ જોવા મળ્યો હતો. આ મીટિંગમાં ૨૦૨૧ થી જારી સંઘર્ષ પર વિરામ મુકવા LOC પર ટેન્શન દૂર કરવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં ભારત તરફથી પુંછ બ્રિગેડના કમાન્ડર અને પાકિસ્તાની સેનાની બે પાકિસ્તાન બ્રિગેડના કમાન્ડર ઉપસ્થિત રહ્યા હતાં.
પાકિસ્તાન અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ફ્લેગ મીટિંગ થઈ ન હતી. અગાઉ ૨૦૨૧માં ફ્લેગ મીટિંગ થઈ હતી. પાકિસ્તાન તરફથી સરહદ પર સતત ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓ થઈ રહી હતી. ૧૧ ફેબ્રુઆરીએ જમ્મુમાં LOC ના અખનૂર સેક્ટરમાં એક ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) બ્લાસ્ટમાં એક કેપ્ટન સહિત બે જવાન શહીદ થયા હતાં.
પાકિસ્તાન દ્વારા LOC પર સતત તણાવ ઉભો કરવાની હરકતોના કારણે ચિંતા વધી છે. હાલ તેણે ઘણી વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાજૌરીમાં LOC પર ફાયરિંગ થયા હતાં. જોકે, ભારતે પણ તેનો જવાબ આપ્યો હતો. અગાઉ પુંછ સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ LOC પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તે તૈયાર છે. પાકિસ્તાન પણ સતત ભારત વિરૂદ્ધ ષડયંત્રો રચી હુમલો કરવાની ફિરાકમાં છે. પરંતુ ભારતીય જવાનો પણ તેની દરેક ગતિવિધિનો આકરો જવાબ આપી રહ્યા છે.