નવી દિલ્હી રેલવે સ્ટેશન દુર્ઘટનામાં મોતને ભેટલા લોકોની યાદી બહાર આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં ૧૮ લોકોના મોત થયાના અહેવાલ મળ્યા છે. જેમાં ૨૫ થી વધુ લોકો ઘાયલ છે અને લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ પ્રશાસને ૧૮ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ માટે તેમણે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. સરકારે મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાના વળતરની પણ જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ૨.૫ લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને ૧ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. જો અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની વાત કરીએ તો નાસભાગને કારણે કચડાઈ જવાને કારણે ૧૪ મહિલાઓના મોત થયા છે, જ્યારે ત્રણ બાળકોના પણ મોત થયા છે.
અકસ્માતમાં ભોગ બનેલા લોકોના નામ
૧. આહા દેવી પત્ની રવિન્દી નાથ, બક્સુર, બિહારના રહેવાસી, ઉંમર ૭૯ વર્ષ
૨. પિંકી દેવી, ઉપેન્દ્ર શર્માની પત્ની, સંગમ વિહાર, દિલ્હી, ઉંમર ૪૧ વર્ષ
૩. શીલા દેવી, ઉમેશ ગિરીના પત્ની, સરિતા વિહાર, દિલ્હી, ઉંમર ૫૦ વર્ષ
૪. વ્યોમ, ધરમવીરનો પુત્ર, રહેવાસી, બવાના, દિલ્હી, ઉંમર ૨૫ વર્ષ
૫. પૂનમ દેવી, મેઘનાથના પત્ની, સારણ બિહારના રહેવાસી, ઉંમર ૪૦ વર્ષ.
૬. લલિતા દેવી, સંતોષના પત્ની, રહેવાસી, બિહારના પરના, ઉંમર ૩૫ વર્ષ.
૭. મુઝફ્ફરપુર બિહારના રહેવાસી મનોજ શાહની પુત્રી સુરુચી ઉંમર ૧૧ વર્ષ
૮. કૃષ્ણા દેવી પત્ની વિજય શાહ નિવાસી સમસ્તીપુર બિહાર ઉંમર ૪૦ વર્ષ
૯. વિજય સાહ, રામ સરૃપ સાહના પુત્ર, સમસ્તીપુર, બિહારના રહેવાસી, ઉંમર ૧૫ વર્ષ.
૧૦. નીરજ, ઇન્દ્રજીત પાસવાનનો પુત્ર, વૈશાલી, બિહારનો રહેવાસી, ઉંમર ૧૨ વર્ષ.
૧૧. રાજ કુમાર માંઝીના પત્ની શાંતિ દેવી, નવાદા, બિહારના રહેવાસી, ઉંમર ૪૦ વર્ષ.
૧૨. નવાદા બિહાર નિવાસી રાજ કુમાર માંઝીની પુત્રી પૂજા કુમાર ઉંમર ૮ વર્ષ
૧૩. સંગીતા મલિક, મોહિત મલિકની પત્ની, ભિવાની, હરિયાણાના રહેવાસી, ઉંમર ૩૪ વર્ષ.
૧૪. મહાવીર એક્ન્લેવના રહેવાસી વીરેન્દ્ર સિંહની પત્ની પૂનમ, ઉંમર ૩૪ વર્ષ.
૧૫. મમતા ઝા, વિપિન ઝાના પત્ની, નાંગલોઈ, દિલ્હીના રહેવાસી, ઉંમર ૪૦ વર્ષ.
૧૬. સાગરપુર દિલ્હી નિવાસી ઓપીલ સિંહની પુત્રી રિયા સિંહ ઉંમર ૭ વર્ષ
૧૭. બેબી કુમારી, પ્રભુ સાહની પુત્રી, બિજવાસન, દિલ્હી, ઉંમર ૨૪ વર્ષ.
૧૮. મનોજ, પંચદેવ કુશવાહાના પુત્ર, નંગલોઈ, દિલ્હીના રહેવાસી, ઉંમર ૪૭ વર્ષ.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ થયેલી નાસભાગમાં ૧૮ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં નવ મહિલા, ચાર પુરૂષ અને પાંચ બાળકો સમાવિષ્ટ છે. જેમાં સૌથી વધુ નવ બિહારના, આઠ દિલ્હીના અને એક હરિયાણાના છે. આ ઘટના પ્લેટફોર્મ ૧૩ અને ૧૪ પર બની હતી. તે સમયે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ટ્રેનમાં ચઢવા ધક્કા-મુક્કી કરી રહ્યા હતાં.
દુર્ઘટનાને પ્રત્યક્ષ જોનાર વ્યક્તિના જણાવ્યા અનુસાર કુલી સુગન લાલ મીણાએ જણાવ્યું હતું કે, મેં મારા સાથીઓ સાથે મળીને ૧૫ મૃતદેહોને બહાર કાઢયા અને એમ્બ્યુલન્સમાં મૂકયાં હતાં. હું ૧૯૮૧ થી અહીં કુલી તરીકે કામ કરું છું. આવી ભીડ કયારેય જોઈ નથી. પ્લેટફોર્મ બદલાઈ ગયું, જેના કારણે નાસભાગ મચી હતી. લોકો એકબીજા ઉપર ચઢી ગયા. મૃતદેહો જોયા બાદ અમે ભોજન પણ કરી શકયા નહીં.
કુલી મીણાએ જણાવ્યું કે, પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર ૧૨ પરથી રવાના થવાની હતી. પરંતુ અચાનક પ્લેટફોર્મ નંબર ૧૬ પર શિફ્ટ કરવામાં આવતાં પ્લેટફોર્મ નંબર ૧૨માં ટ્રેનની રાહ જોઈ રહેલી ભીડ પ્લેટફોર્મ નંબર ૧૬ તરફ ભાગી. જેમાં અફરાતફરી મચી અને લોકો ધક્કા-મુક્કી કરવા લાગ્યા. ઘણા લોકો એસ્કેલેટર તથા સીડીઓ પરથી પડી ગયાં.
નાસભાગના બાદ પ્લેટફોર્મ પર માત્ર જૂતાં અને સામાન જ્યાં-ત્યાં પડેલા જોવા મળ્યાં. ઘાયલો પણ દર્દથી કણસી રહ્યા હતાં. ત્રણ-ચાર એમ્બ્યુલન્સ પહોંચતાં ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતાં. કુલી અને રેલવે સ્ટેશન પર હાજર લોકોએ કચડાઈ ગયેલા મૃતદેહોને પણ બહાર કાઢયા હતાં.
અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, પ્લેટફોર્મ નંબર ૧૩ અને ૧૪ પર નાસભાગની ઘટના બની હતી. ટ્રેનના પ્લેટફોર્મ પર પાંચથી દસ હજાર લોકો હતાં. જેવી ટ્રેન પ્લેટફોર્મ નંબર ૧૬ પર આવવાની હોવાની જાણકારી મળી તેવા જ લોકો ટ્રેન પકડવા દોડાદોડ કરવા લાગ્યાં. ભીડ બેકાબૂ બની. લોકો એક-બીજાને કચડીને આગળ વધી રહ્યા હતાં. ઘણાના શ્વાસ રૂંધાવા લાગ્યાં. ફૂટ ઓવરબ્રિજથી પણ ઘણા લોકો નીચે પડી ગયાં. રેલવે પ્રશાસન અને સુરક્ષા દળ સ્થિતિને કાબૂમાં લેવા નિષ્ફળ રહ્યાં. જેના લીધે ઘણા લોકોએ જીવ ગુમાવ્યાં.