સોનામાં ચળકાટ વધી, રૂ. ૧૫૦૦ ઉછળી ૮૭૩૦૦ની રેકોર્ડ ટોચે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ વોરના કારણે સોનાના ભાવ સળંગ ત્રીજા દિવસે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. ૮૫૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયા બાદ ૧૫૦૦ રૂપિયા ઉછળી રૂ. ૮૭ , ૩૦૦ના ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. ચાંદીમાં પણ આકર્ષક તેજી જોવા મળી છે.
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરના કારણે કિંમતી ધાતુમાં તેજી આવી છે. ચીનમાં લુનાર યરનો હોલિડે પૂર્ણ થયો છે. જ્યાં માર્કેટ ખૂલતાં જ સોનામાં આકર્ષક તેજી જોવા મળી છે. બીજી તરફ અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર ૧૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ચીને પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે અમેરિકા પર ટેરિફ લાદવાની સાથે ગુગલ વિરૂદ્ધ તપાસ હાથ ધરતાં વૈશ્વિક પડકારો વધ્યા છે. ડોલર ઈન્ડેક્સ પણ નબળો પડ્યો છે. જેથી રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે.
જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ચાંદી રૂ. ૯૩૫૦૦ પ્રતિ કિગ્રા થઈ હતી. જે રૂ. ૧૫૦૦ ઉછળી રૂ. ૯૪૦૦૦ પ્રતિ કિગ્રાએ પહોંચી છે. અમદાવાદમાં અગાઉ ઓક્ટોબર માસમાં ચાંદી રેકોર્ડ એક લાખ પ્રતિ કિગ્રાનું ઓલટાઈમ હાઈ લેવલ વટાવી ગઈ હતી. દિલ્હીમાં ચાંદી રુ. ૧૬૨૮ વધી ૯૫૪૨૧ રૂપિયા પ્રતિ કિલો થયો છે. ઉલ્લેખનીય છે, રાજ્યવાર સોના-ચાંદીના ભાવ અલગ-અલગ હોય છે.
એમસીએક્સ ખાતે સોનું રૂ. ૮૪૨ ઉછળી રૂ. ૮૪૬૩૯ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી વાયદો રૂ. ૧૩૦ ઉછળી રૂ. ૯૫૮૮૪ પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બનતાં જ ચીન અને અમેરિકા વચ્ચે ફરી ટ્રેડવોર શરૂ થયું છે. જેના પગલે વૈશ્વિક સ્તરે પણ સ્પોટ ગોલ્ડ ૨૮૫૩.૯૭ ડોલર પ્રતિ ઔંસની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું.
ગોલ્ડ ફ્યુચર્સ પણ ૨૮૭૯.૭૦ ડોલર પ્રતિ ઔંસ નોંધાયું હતું. અગાઉ ટ્રમ્પે વિશ્વની બે ટોચની ઈકોનોમી વચ્ચે સર્જાયેલા વેપાર તણાવો દૂર કરવાં ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. પરંતું બાદમાં તેમણે નિવેદન આપ્યું કે, તેમને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવાની કોઈ ઉતાવળ નથી