આ હુમલામાં કુલ ૬ લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રખડતાં ઢોર પકડવા ગયેલી ટીમ અને કેટલાક લોકો વચ્ચે ઘર્ષણ થયા બાદ બબાલ થઇ ગઇ હતી. મનપા-એજન્સીના માણસો બેઠા હતા તે ઈકો કારના કાચ ફોડી દેવાયા હતા તો બંને પક્ષના કુલ ૬ જેટલા લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, મનપાના કોઈ અધિકારી આ મામલે કંઈપણ બોલવા તૈયાર નહોતા.
અગાઉ મહેસાણા નગરપાલિકા દ્વારા જે તે સમયે શહેરમાંથી રખડતાં ઢોર પકડવા માટે એજન્સીની નિમણૂક કરી હતી અને મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર એજન્સી મારફત શહેરમાંથી રખડતાં ઢોર પકડવાની કાર્યવાહી ફરી શરૂ કરાઈ હતી.
જે અંતર્ગત મનપાના કર્મચારીઓ અને એજન્સીના માણસોએ રખડતાં ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ બંદોબસ્તની ગાડી આવે તે પહેલાં જ ઢોર પકડવા પહોંચેલી મનપા-એજન્સીની ટીમને નાગલપુર પાટિયા નજીક કેટલાક લોકો સાથે તકરાર થતાં મામલો બિચક્યો હતો. મનપા-એજન્સીની ટીમની ઈકો ગાડી પર કરાયેલા હુમલામાં ગાડીના કાચ તૂટી ગયા હતા. હાઈવે વિસ્તારમાં જ સર્જાયેલા ઘર્ષણના પગલે વિસ્તારમાં હંગામો મચી ગયો હતો અને લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ઘટના સ્થળે થતી ચર્ચા મુજબ મનપા-એજન્સીની ટીમના માણસો ઈકો ગાડીમાં બેસીને ત્યાંથી નિકળી ગયા હતા.
આ ઘટનામાં મનપા-એજન્સીની ટીમના બેથી ત્રણ જણાને ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમજ સામા પક્ષે પણ કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ આર.બી.ચૌહાણ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલોમાં પહોંચ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે બંને પક્ષનાં નિવેદનો લઈ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે મનપાના એસઆઈ, નાયબ કમિશનર સહિત અધિકારીઓનો સંપર્ક કરતાં કેટલાકે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું તો કેટલાકે તેમની પાસે ચોક્કસ કોઈ માહિતી ન હોવાનું જણાવી એકબીજાને ખો આપી હતી.