પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાઉથ સિનેમામાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. તેલુગુ ફિલ્મ નિર્માતા કે પી ચૌધરીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. ફિલ્મ નિર્માતા ગોવા ગયા હતા. આ સમય દરમિયાન તેમનું અવસાન થયું. પોલીસે આ કેસમાં માહિતી આપી હતી કે તેમનો મૃતદેહ ઉત્તર ગોવાના એક ગામમાં ભાડાના મકાનમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
શરૂઆતની કાર્યવાહી મુજબ, આ આત્મહત્યાનો મામલો હોવાનું કહેવાય છે. આ ફિલ્મ નિર્માતાએ ૪૪ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. પોલીસ અધિક્ષક (ઉત્તર) અક્ષત કૌશલે મીડિયાને જણાવ્યું હતું કે રજનીકાંત અભિનીત તેલુગુ ફિલ્મ ‘કબાલી’ના નિર્માતા કેપી ચૌધરીનો મૃતદેહ સિઓલિમ ગામમાં ભાડાના ઘરમાંથી મળી આવ્યો હતો.
તેમણે કહ્યું કે અંજુના પોલીસ સ્ટેશનની સિઓલિમ ચોકીને મૃત્યુ વિશે જાણ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું કે “વિગતો યોગ્ય સમયે શેર કરવામાં આવશે.” કેપી ચૌધરી એ જ ફિલ્મ નિર્માતા છે જેમની ૨૦૨૩ માં ડ્રગ્સના કેસમાં સાયબરાબાદ સ્પેશિયલ ઓપરેશન ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં લેવાયેલી કાર્યવાહીથી સ્પષ્ટ થયું કે આ ફિલ્મ નિર્માતા ટોલીવુડ અને કોલીવુડ બંને ઉદ્યોગોમાં ડ્રગનો વ્યવસાય કરી રહ્યો હતો અને તેના ઘણા ગ્રાહકો હતા.
શરૂઆતના અહેવાલો સૂચવે છે કે ફિલ્મ નિર્માતા કેપી ચૌધરી નાણાકીય નુકસાન અને ધિરાણકર્તાઓના વધતા દબાણનો સામનો કરી રહ્યા હતા. ફિલ્મ ઉદ્યોગમાં અનેક મોટી નિષ્ફળતાઓનો સામનો કર્યા પછી, તે કથિત રીતે ડ્રગ્સની ખરીદી અને વિતરણમાં સામેલ થયો હતો. તેણે ગોવામાં પબ પણ ખોલ્યો હતો, જ્યાં તે કથિત રીતે સેલિબ્રિટીઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.