સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. કુલગામમાં આતંકવાદીઓએ નિવૃત સૈનિકના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિવૃત સૈનિકનું મોત થઈ ગયું છે અને તેમની પત્ની અને પુત્રી ઘાયલ થયા છે. આ આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે અને સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ ઘટના દક્ષિણ કાશ્મીરમાં કુલગામના બેહીગામ વિસ્તારમાં બની છે. આતંકવાદીઓએ નિવૃત સૈનિક મંજૂર અહેમદના પરિવાર પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઘાયલ ત્રણેયને શ્રીનગર હોલ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. જ્યાં નિવૃત સૈનિકનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી તરફ તેમની પત્ની અને પુત્રીની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, નિવૃત સૈનિક લગભગ પાંચ વર્ષ પહેલા પ્રાદેશિક આર્મીમાંથી નિવૃત્ત થયા હતા અને આ વિસ્તારમાં પોતાનું અંગત કામ સંભાળી રહ્યા હતા.
૩૦ જાન્યુઆરીના રોજ પણ આતંકવાદીઓએ કાશ્મીરના પૂંછમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવીને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને રોક્યા ત્યારે તેઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ દરમિયાન જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા.