આરોપી ભારતમાં કઇ રીતે અને કેમ આવ્યો તે અંગે પોલીસે તપાસ તેજ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક્ટર સૈફ અલી ખાન પર થયેલા જીવલેણ હુમલો મામલે વધુ માહિતી સામે આવી છે. જેમાં બાન્દ્રા પોલીસે હુમલામાં સામેલ ચાકૂનો ત્રીજો અને અંતિમ ટુકડો જે ગાયબ થઈ ગયો હતો તે મેળવી લીધો છે. હુમલો કર્યા બાદ આરોપીએ તે ફેંકી દીધુ હતું. આ ઉપરાંત તેનું લાઈસન્સ પણ મળી આવ્યું છે.
હુમલા બાદ ચાકૂનો આશરે ત્રણ ઈંચ જેટલો ટુકડો સૈફની પીઠમાં ફસાઈ ગયો હતો. જેને સર્જરી બાદ કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક નાનો ટુકડો જેના પર લોહી લાગેલું હતું તે ઘટના બાદ કરાયેલા પંચનામા વખતે ઘરમાંથી મળ્યો અને હેન્ડલવાળો છેલ્લો ટુકડો તળાવ પાસેથી મળી આવ્યો. હુમલાનો સીન રિક્રિએટ કરવા માટે આરોપીને લઈને બાન્દ્રા પોલીસ સૈફના બિલ્ડિંગથી ૧.૪ કિમીના અંતરે આવેલા એક તળાવ પાસે તેને લઈને ગઈ.
જ્યાં તેણે દેખાડ્યું કે ચાકૂ ફેંક્યા બાદ તે નેશનલ કોલેજની બહાર બસ સ્ટોપર જતા પહેલા ૬૫૦ મીટર પગપાળા ચાલીને લિંકિંગ રોડ પર એક રેસ્ટોરન્ટમાં ગયો જ્યાં તે સૂઈ ગયો. સવારે તે વરલી અને પછી થાણા જતા પહેલા સવારે ૮ વાગે દાદર માટે ટ્રેન પકડવા માટે બાન્દ્રા રેલવે સ્ટેશન જતો રહ્યો.
આરોપીનું બાંગ્લાદેશ સંલગ્ન એક ડોક્યુમેન્ટ પણ સામે આવ્યું છે. આરોપી શરીફુલ ઈસ્લામનું બાંગ્લાદેશનું ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવ્યું છે. ગવર્મેન્ટ ઓફ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ અને બાંગ્લાદેશ રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી બરીસાલ દ્વારા ઈશ્યું કરાયેલા શરીફુલ ઈસ્લામના નામના ડ્રાઈવિંગ લાઈસન્સથી આ જાણકારી સામે આવી છે.
અત્રે જણાવવાનું કે ૨૧ નવેમ્બર ૨૦૧૯ના રોજ બરીસાલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, બાંગ્લાદેશે શરીફુલ ઈસ્લામને આ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યું કર્યું હતું. જે ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી માન્ય હતું. આ એક દ્વિચક્કી વાહનનું લર્નિંગ લાઈસન્સ હતું. લાઈસન્સ નંબર ૧૪૪ છે. શરીફુલ ઈસ્લામના પિતાનું નામ મોહમ્મદ રૂલ હમીદ છે. આ લાઈસન્સ પર શરીફુલ ઈસ્લામનું નામ બાંગ્લામાં અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખેલું છે. તેની જન્મતારીખ ૧૨ માર્ચ ૧૯૯૪ નોંધાયેલી છે. સ્થાયી લાઈસન્સ જારી થવાનો નંબર ૮૬૫૪ ૩૫૨૨૫૪ છે. આ ડ્રાઈવિંગ લાઈસન્સ પોલીસને હાથ લાગ્યું છે. જેના આધારે પોલીસે એ પુષ્ટિ કરી છે કે શરીફુલ ઈસ્લામ બાંગ્લાદેશનો નાગરિક છે.
હવે પોલીસે કેસની તપાસ તેજ કરી છે. આ સંદર્ભમાં મુંબઈ પોલીસે એક વિશેષ ટીમ બનાવી છે. આ ટીમ તપાસ કરશે કે શરીફુલ ઈસ્લામ ભારત ખાસ કરીને મહારાષ્ટ્ર અને મુંબઈમાં કેવી રીતે અને કોના માધ્યમથી રોકાયો અને તેણે પોતાના દસ્તાવેજ તૈયાર કરવામાં કયા કયા લોકોની મદદ લીધી.