અમદાવાદ કિંમતી ધાતુ બજારમાં સોનું રૂપિયા ૮૨૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના નવા ૪૭ માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પર આગમન સાથે તેમની વેપાર નીતિઓ મુદ્દે અનિશ્ચિતતાઓ તેમજ ડોલર નબળો પડતાં કિંમતી ધાતુ બજારમાં તેજી જોવા મળી છે. સ્થાનિક બજારમાં સોનાની કિંમત સર્વોચ્ચ ટોચે પહોંચી છે. વૈશ્વિક સ્તરે પણ સોનું ૧૧ માસની ટોચે પહોંચ્યું છે.
અમદાવાદ કિંમતી ધાતુ બજારમાં સોનું રૂ.૮૨૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જેની ગત ૩૦ ઓક્ટોબરે કિંમત રૂ. ૮૨૩૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હતી. સોનાનો ભાવ ગઈકાલની તુલનાએ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૭૦૦ વધ્યો છે. આજે અમેરિકન ડોલરમાં આકર્ષક તેજીએ વિરામ લેતાં સેફ હેવનમાં રોકાણ વધ્યું છે.
ઔદ્યોગિક માંગના કારણે ગતવર્ષે આકર્ષક રિટર્ન આપનારી ચાંદી રૂ. ૧૦૦૦ મોંઘી થઈ છે. અમદાવાદમાં રૂ. ૯૧૫૦૦ પ્રતિ કિગ્રાના ભાવે ક્વોટ થઈ રહી હતી. ગતવર્ષે ઓક્ટોબરમાં ચાંદીનો ભાવ રૂ.૯૯૦૦૦ પ્રતિ કિગ્રાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે, વિશ્વભરમાં સોના કરતાં ચાંદીની માગ સતત વધી રહી છે. જેની પાછળનું કારણ ઈલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સિસ અને ઈ-વાહનોની વધતી ડિમાન્ડ છે. કોમોડિટી નિષ્ણાતોએ પણ ચાંદી આ વર્ષે દોઢ લોખનો આંકડો ક્રોસ કરશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.
એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. ૨૮૦ વધી રૂ. ૭૯૫૦૪ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયો હતો. જ્યારે ચાંદી વાયદો (૫ માર્ચ) રૂ. ૧૭૧ ઘટી રૂ. ૯૧૯૦૬ પ્રતિ કિગ્રા પર બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે પણ સ્પોટ ગોલ્ડ ૧૦ ડોલરથી વધુ ઉછળી ૨૭૭૪ ડોલર પ્રતિ ઔંશની ૧૧ માસની ટોચે પહોંચ્યું હતું.