મણિપુરના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સિંહને અધ્યક્ષ પદ પરથી હટાવી દેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયુએ મણિપુરની ભાજપ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હોવાના સમાચાર સામે આવ્યા હતાં. જોકે , હાલ આ વાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. જેડીયુના મણિપુર પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજ્યપાલને આ વિશે પત્ર લખવામાં આવ્યો હતો. જોકે, હાલ પાર્ટી હાઇ કમાન્ડે તેને પદ પરથી દૂર કરી દીધા છે. આ સિવાય પાર્ટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે, જેડીયુએ હજુ પણ મણિપુરમાં ભાજપ સરકારને ટેકો આપ્યો છે. મણિપુર સાથે બિહાર અને કેન્દ્રમાં પણ સંપૂર્ણ મજબૂતી સાથે જેડીયુ ભાજપના સમર્થનમાં છે.
પાર્ટી હાઇ કમાન્ડે મણિપુરના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સિંહને અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. કારણકે, વીરેન્દ્ર સિંહે રાજ્યપાલને પત્ર લખ્યો હતો. જેમાં, બીરેન સિંહના નેતૃત્વવાળી ભાજપ સરકાર પાસેથી જેડીયુનો ટેકો પાછો ખેંચવાની વાત કરવામાં આવી હતી. વીરેન્દ્ર સિંહને અધ્યક્ષ પદેથી દૂર કરવાની જાણકારી આપતાં, જેડીયુએ કહ્યું કે, પાર્ટીએ મણિપુર પ્રદેશના અધ્યક્ષ વીરેન્દ્ર સિંહને પદ પરથી દૂર કરવાનો ર્નિણય લીધો છે. કારણકે, તેઓએ રાજ્યપાલને પાર્ટીની સંમતિ વિના પત્ર લખ્યો હતો. શિસ્તભંગના આરોપમાં વીરેન્દ્ર સિંહ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
પાર્ટીની કાર્યવાહી પહેલાં વીરેન્દ્ર સિંહે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને પત્ર લખી ભાજપ પાસેથી ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. આ પત્રમાં તેઓએ કહ્યું કે, પાર્ટીની શરૂઆતમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં છ બેઠક જીતી હતી. જોકે, બાદમાં પાંચ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયાં. જેનાથી સત્તાધારી પાર્ટીની સંખ્યા મજબૂત થઈ ગઈ. આ પાંચેય ધારાસભ્યોનો કેસ ભારતના બંધારણની દસમી અનુસુચિ હેઠળ કેસ સ્પીકર સમક્ષ પેન્ડિંગ છે.
પત્રમાં ઈન્ડિયા ગઠબંધન સાથે જેડીયુના પહેલાંના ગઠબંધને ટાંકતા સમર્થન વાપસીની પુષ્ટિ કરવામાં આવી હતી. પત્રમાં એવું પણ પુનરાવર્તન કરવામાં આવ્યું કે, મણિપુરમાં જેડીયુના એકમાત્ર ધારાસભ્ય મહોમ્મદ અબ્દુલ નાસિર વિધાનસભાના હાલના સત્રમાં વિપક્ષ સાથે બેઠા હતાં.