ગંભીર હુમલા બાદ અભિનેતા આટલો ફીટ કઇ રીતે તેમ કર્યો સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલથી રજા આપી દેવાઈ છે. હોસ્પિટલથી નીકળ્યા બાદ સૈફ ચાલવામાં બિલકુલ ફિટ નજર આવ્યો હતો. જોકે તેના હાથ અને ગરદન પર પાટો બાંધેલો હતો. સૈફ અલી ખાનને હોસ્પિટલથી રજા મળ્યા બાદ ઘણા પ્રકારના સવાલ ઉઠી રહ્યાં છે. કહેવાઈ રહ્યું છે કે ડોક્ટરોએ જણાવ્યું હતું કે સૈફને ઊંડી ઈજા પહોંચી છે તો પછી આટલી ઝડપથી બિલકુલ ફિટ કેવી રીતે થઈ ગયો.
ત્યારે આ બધા વચ્ચે શિવસેના (શિંદે) લીડર સંજય નિરુપમે સૈફ અલી ખાનને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ડોક્ટરોનું કહેવું હતું કે સૈફ અલી ખાનની પીઠમાં ૨.૫ ઈંચ અંદર સુધી ચપ્પુ ઘૂસ્યું હતું. સતત ૬ કલાક ઓપરેશન ચાલ્યું. આ બધી ૧૬ જાન્યુઆરીની વાત છે. હોસ્પિટલથી નીકળતાં જ આટલો ફિટ ? માત્ર ૫ દિવસમાં ? કમાલ છે.
સૈફ અલી ખાન સાથે જોડાયેલા મુદ્દા પર સંજય નિરુપમે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સૈફ સ્વસ્થ રહે, જ્યારે હુમલો થયો તો સમગ્ર મુંબઈ પર સવાલ ઊભા થઈ ગયા. સરકાર પર સવાલ ઉઠાવવામાં આવ્યા પરંતુ જ્યારે તે હોસ્પિટલથી બહાર આવ્યો તો અમારા મનમાં અમુક સવાલ આવ્યા. ૨.૫ ઈંચનું ચપ્પુ ઘૂસ્યુ, ઓપરેશન થયું પરંતુ હોસ્પિટલથી સૈફ ઉછળતો-કૂદતો નીકળ્યો. ૪ દિવસમાં કોઈ આટલું ઠીક કેવી રીતે થઈ શકે છે? હોસ્પિટલે કહ્યું કે સૈફ લોહીલુહાણ સ્થિતિમાં હોસ્પિટલ પહોંચ્યો હતો.
સૈફના તે સીસીટીવી ફૂટેજ ક્યાં છે? શું સગીર બાળક પોતાના પિતાને લઈને હોસ્પિટલ જઈ શકે છે? ૮ નોકર તેના ઘરમાં હતાં તેમ છતાં આટલો મોટો હુમલો કેવી રીતે થઈ ગયો. પોલીસે પણ ૩ દિવસમાં ૩ આરોપી પકડી લીધા. પોલીસના વલણથી પણ અમે અચંબિત છીએ. શું આરોપી હકીકતમાં બાંગ્લાદેશી છે પણ કે નહીં? શું કોઈ ખેલ ચાલી રહ્યો છે કે શું?