રસ્તા પર અકસ્માતમાં બિહામણાં દ્રશ્યો સર્જાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના જોડિયા નજીક કેસિયા ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો અને બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા. ટ્રેક્ટરના વ્હીલના પતરા પર બેઠેલા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનનું પાણીની ટાંકી નીચે દબાઈ જવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું અને તેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. જેથી બીહામણાં દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત કારના ચાલક જામદુધઈ ગામના વતની અને કેશિયા ગામની હાઈસ્કૂલના સરકારી કર્મચારીનું હેમરેજ થઈ જતાં ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનનો વતની રાકેશ દેવારામ ખટાણા કે જે ફાઇબરનું રોડ પરનું કામ પૂરું કરીને પોતાના ટ્રેક્ટરમાં પાણીની ટાંકી ફીટ કરીને મોરબી તરફ જઈ રહ્યો હતો. જેમાં પોતાની સાથે મૂળ રાજસ્થાનના વતની એવા મનીષ રામાઅવતાર આદિવાસીને પોતાની સાથે બેસાડ્યો હતો. જે ટ્રેક્ટરના વ્હીલના પતરા ઉપર બેઠો હતો.
જે ટ્રેક્ટર જોડિયા તાલુકાના કેશીયા ગામ પાસે પહોંચતાં સામેથી એક ટ્રક આવતો હોવાના કારણે ઓચિંતી બ્રેક મારવાથી ટ્રેક્ટર ઉપરનો કાબુ ગુમાવી બેઠો હતો, અને ટ્રેક્ટર માર્ગ ઉપર પલટી મારી ગયું હતું.
જે અકસ્માતમાં સૌ પ્રથમ પતરા પર બેઠેલો મનીષ આદિવાસી કે જે ટ્રેક્ટરની પાછળ ફીટ કરેલી પાણીની ટાંકી ની નીચે દબાયો હતો, અને તેનું બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેનું માથું ટાંકી નીચે દબાયું હોવાથી માથું ધડથી અલગ થયું હતું. જેના કારણે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.