ટોચના ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સ્કુલ કાર્યક્રમમાં આપી હાજરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અદાણી ઈન્ટરનેશલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો સહિત અન્ય અગ્રણીઓ સાથે હાજર રહ્યા હતા. જ્યાં તેમણે સંબોધન કર્યુ હતું. જેમાં જણાવ્યુ હતું કે સખત મહેનત કરનાર કોઇપણ વ્યક્તિ સપનાં સાકાર કરી શકે છે કેમ કે સ્વપ્ન જોવાં એ માત્ર ધનિકોનો વિશેષાધિકાર નથી.
દેશ અને દુનિયાના ટોચના ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ સંબોધનમાં તેમણે સફળતા મેળવવા માટે સ્વપ્નની તાકાત, સખત મહેનત તથા મક્કમ મનોબળના મહત્ત્વ ઉપર ભાર મૂક્યો હતો. અહેવાલ અનુસાર, પોતાના પ્રારંભિક દિવસોને યાદ કરતા તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, એ સમયે તેમની પાસે કોઈ નક્કર આયોજન, નાણાકીય સ્રોતો કે પછી વગદાર સંપર્કો નહોતા, પરંતુ જે કંઈ હતું તે- જીવનમાં કંઈક અર્થપૂર્ણ કરવા માટેનું સ્વપ્ન હતું.
ગૌતમ અદાણીએ “હું રોજેરોજ આ સ્વપ્ન જોતો અને હવે જ્યારે મારા ભૂતકાળ પર નજર કરું છું ત્યારે હું કહી શકું છું કે સ્વપ્નો ઉપર ધનિકોનો ઈજારો નથી, સ્વપ્ન જોવાં એ ધનિકોનો વિશેષાધિકાર નથી. એવા તમામ લોકો સ્વપ્ન સાકાર કરી શકે છે જેમને પોતાનામાં આત્મવિશ્વાસ હોય અને સખત મહેનત કરવા તૈયાર હોય” તેમ અદાણી જૂથના ચેરમેને કહ્યું હતું.
તેમની કંપની ભારતની સૌથી ઝડપી પ્રગતિ કરતી કંપની છે એ વાતનો ઉલ્લેખ કરીને ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેમની કંપનીનું ધ્યેય માત્ર બિઝનેસ કરવા કરતાં કંઇક વિશેષ છે. “અમે જે કોઈ ર્નિણય લઈએ છીએ, જે કોઈ જોખમ ઉઠાવીએ છીએ તેની પાછળ એક ધ્યેય હોય છે, કે અમે એવું શું સર્જન કરીએ જે વધુ શ્રેષ્ઠ રીતે સેવા કરી શકે? અમે અમારાં સ્વપ્નને પાંખો આપવાની હિંમત, વધુ ઊંચે ઉડવાની તૈયારી તથા અન્ય કોઇપણ કરતાં વધુ ઝડપે આગળ વધવાની તૈયારી રાખીએ છીએ” તેમ તેમણે જણાવ્યું હતું.
ગૌતમ અદાણીએ વાલીઓને પણ જણાવ્યું કે તેમણે તેમનાં બાળકોનાં મજબૂત મૂલ્યો સ્થાપિત કરવા જોઇએ. તમારાં બાળકો માત્ર તમારી સંપત્તિ નહીં પણ તમારાં મૂલ્યો પણ ગ્રહણ કરતાં હોય છે. તેમને મક્કમતા, ધૈર્ય, કરુણા તથા બીજા લોકોની સેવા કરવાના ગુણ આપો. તેમણે ઉમેર્યું કે, સફળતા એ વ્યક્તિગત સિદ્ધિ માત્ર નથી પરંતુ તેના દ્વારા અન્ય લોકો માટે વધુ સારી દુનિયા બનાવવાની હોય છે. તેમને એવી રીતે શિક્ષિત કરો કે તેઓ જ્યાં પણ જાય – ભારતમાં રહે કે વિદેશમાં જાય તો પણ ભારતનો આત્મા તેમની સાથે હંમેશાં રહે.