મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીને ૫ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીનું સાચું નામ જાહેર કરતાં જણાવ્યું કે તે મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહેજાદ છે. તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે કેમ કે તેની પાસે કોઈ ભારતીય પુરાવા નથી. તે પોતાની ઓળખ છુપાવવા માટે વિજય દાસ, બિજોય દાસ કે પછી મ્ત્ન તરીકે પોતાની ઓળખ આપી રહ્યો હતો. હાલમાં તેની ધરપકડ કરી ખાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ડીસીપીએ કહ્યું હતું કે આરોપીએ કબૂલ્યું છે કે તે ચોરીના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યો હતો. તેને ખબર નહોતી કે આ સૈફ અલી ખાનનું ઘર છે.
પ્રાથમિક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી પોતાનું નામ બિજાેય દાસ કે પછી મોહમ્મદ ઈલિયાસ જેવા નામો આપી રહ્યો હતો. જોકે પોલીસે પૂછપરછ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પકડાયેલો આ આરોપી બાંગ્લાદેશનો વતની હોઈ શકે છે અને તે ૫-૬ મહિના પહેલાં જ તે મુંબઈ આવ્યો હોવાની ચર્ચા છે. મોડી રાતે લગભગ ૧૦૦ જેટલી ટુકડી સાથે કાર્યવાહી કરતાં પોલીસે થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી તેને પકડી પાડ્યો હતો.
મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદને ૫ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ફરિયાદ પક્ષે મેજિસ્ટ્રેટ પાસે ૧૪ દિવસની પોલીસ કસ્ટડી માગી હતી પરંતુ ફક્ત ૫ દિવસની કસ્ટડી મંજૂર રખાઈ હતી. મુંબઈ પોલીસના તપાસ અધિકારીએ મેજિસ્ટ્રેટને જણાવ્યું કે આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો અને અભિનેતા અને અન્ય બે લોકો પર છરી વડે ૬ વાર હુમલો કર્યો હતો. તપાસ અધિકારીએ મેજિસ્ટ્રેટ સમક્ષ દલીલ કરી હતી કે તે બાંગ્લાદેશી છે અને તે જાણવું જરૂરી છે કે તે માન્ય દસ્તાવેજો વિના ભારત કેવી રીતે આવી શક્યો.
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે થાણે પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. મજૂર શિબિર પર દરોડા દરમિયાન તેને પકડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપી પોતાની વાસ્તવિક ઓળખ જાહેર કરી રહ્યો નથી. તે પોતાનું નામ જાહેર કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને શંકા છે કે આરોપી ગેરકાયદેસર બાંગ્લાદેશી પણ હોઈ શકે છે.
માહિતી અનુસાર મો.શહેજાદ એ જ વ્યક્તિ છે જેણે ૧૬ જાન્યુઆરીની રાતે ઘરમાં ઘૂસીને સૈફ પર ચપ્પાથી હુમલા કર્યા હતા. આરોપીની ઓળખ પહેલા વિજય દાસ તરીકે જાહેર કરાઈ હતી પરંતુ તે પછીથી મો.શહેજાદ હોવાનો ખુલાસો થયો છે. પકડાયા બાદ તેણે પોલીસ સામે સ્વીકાર્યું કે મેં જ સૈફ અને કરીનાના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસે હાલ તેની ધરપકડ કરી છે.
આરોપી થાણેના રિકી બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો. આરોપીની ઓળખ લગભગ ૩૦ વર્ષની આજુબાજુ હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન પર મોડી રાતે ઘરમાં ઘૂસીને ચપ્પાથી હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલો ચોરીના ઈરાદે કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જાેકે હવે અસલ ચોર પકડાઈ ગયો છે ત્યારે તે સૈફના ઘરમાં કેમ ઘૂસ્યો હતો તેના રહસ્યો ઉઘાડા પડશે. હાલમાં સૈફની હાલત સ્થિર છે અને તે રિકવરી મોડમાં છે. ગઇકાલે જ ડૉક્ટરોએ તેનું હેલ્થ અપડેટ આપ્યું હતું જેમાં તે ઝડપથી રિકવર થઇ રહ્યો હોવાની જાણકારી આપી હતી. સૈફની સર્જરી પણ સફળ રહી હતી.