ખેડૂતોએ આ મામલે મામલતદાર અને ગ્રાહક સુરક્ષામાં નોંધાવી ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના શિનોરમાં DAP ખાતરની ગુણોમાંથી કાંકરા નીકળ્યા હોવાની ઘટના સામે છે. આમાં ખેડૂતોએ તપન ફર્ટિલાઇઝરમાંથી ખાતર ખરીદ્યુ હતું. પરંતુ ખાતરમાંથી ૫ કિલો જેટલાં કાંકરા નીકળતાં ખેડૂતો રોષે ભરાયા હતાં. આ મામલે ખેડૂતોએ તપન ફર્ટિલાઇઝરમાં આ વિશે રજૂઆત કરી મામતલદાર તેમજ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના શિનોરમાં દામનાગર ગામના ખેડૂતોએ સેગવા ચોકડી પાસે આવેલી તપન ફર્ટિલાઇઝરમાંથી DAP ખાતર ખરીદ્યું હતું. જોકે, જ્યારે ખાતરને નાંખવા ખેડૂતે ગુણો ખોલી તો તેમાંથી ૫ કિલો જેટલાં કાંકરા અને કપચી નીકળી હતી. બાદમાં ખેડૂતોએ આ વિશે તપન ફર્ટિલાઇઝરમાં રજૂઆત કરી. પરંતુ, ત્યાંથી સંતોષજનક પ્રતિસાદ ન મળતાં ખેડૂતોએ મામલતદાર તેમજ ગ્રાહક સુરક્ષામાં આ વિશે ફરિયાદ કરી હતી. ગ્રાહક સુરક્ષા વિભાગે આ વિશે ખેડૂતોની ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
ખેડૂતોએ તપન ફર્ટિલાઇઝર પર આરોપ લગાવતા કહ્યું કે, અમારી સાથે DAP ખાતરના નામે છેતરપિંડી કરવામાં આવી છે. કારણ કે, અમે પાંચ વર્ષથી ખેતી કરીએ છીએ. DAP ખાતર કાળા રંગનું નથી આવતું તે લાલ અથવા સફેદ રંગનું હોય છે. ખાતરને અમે ખેતરમાં નાંખવા માટે હાથથી મસળીએ તો તે મસળાઈ જતું હતું. પરંતુ, આ જે ખાતર અમને DAP ના નામે પધરાવવામાં આવ્યું છે તે પથરા જેવું છે. તે હથોડા વડે ભાંગવું પડે એવું છે. જેથી ગામના ખેડૂતોએ કાંકરાવાળું ખાતર આપવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો.