નૂપુર શર્માએ ૨૦૨૨ માં મુસ્લિમ સંપ્રદાયને લઇ નિવેદન આપતા થયો હતો વિવાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ નો શંખનાદ થઈ ચુક્યો છે. રાજધાની દિલ્હીમાં ૫ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. તો પરિણામ ૮ ફેબ્રુઆરીએ જાહેર થશે. આ વખતે ચૂંટણીમાં પણ ગત વખતની માફક ત્રિકોણીયો જંગ જોવા મળી શકે છે. આ દરમ્યાન વાત મળી રહી છે કે ભાજપના વિવાદિત નિવેદન આપનારા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને ટિકિટ મળી શકે છે. જોકે તેના પર અંતિમ ર્નિણય કેન્દ્રીય ચૂંટણી સમિતિ લેશે. પાર્ટીએ તેમના નિવેદનના કારણે તેમને બે વર્ષ પહેલા સસ્પેન્ડ કરી દીધા હતા. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર તેમના નામને લઈને કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. તો વળી કેટલાય લોકો તેમને CM ફેસ બનાવવાની પણ માંગ કરી રહ્યા છે.
યુઝર્સ કહી રહ્યા છે કે નૂપુર શર્માને કાલકાજી સીટથી ટિકિટ આપવી જોઈએ. આપને જણાવી દઈએ કે, પાર્ટીએ કાલકાજી સીટથી પૂર્વ સાંસદ રમેશ બિધૂડીને મેદાનમાં ઉતાર્યા છે. પ્રિયંકા ગાંધી અને સીએમ આતિશી પર વિવાદિત નિવેદન બાદ પાર્ટીના કાલકાજીથી ઉમેદવાર બદલવાની ચર્ચા પણ થવા લાગી છે.
આપને જણાવી દઈએ કે, નૂપુર શર્માએ ૨૦૨૨ માં એક ટીવી ડિબેટ દરમ્યાન પયગમ્બર પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ વિપક્ષ સહિત વિદેશોમાં પણ નૂપુર શર્મા વિરુદ્ધ અવાજ ઉઠ્યો હતો. ભાજપને નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, પાર્ટી આવી કોઈ પણ વિચારધારની વિરુદ્ધમાં છે. જે કોઈ ધર્મ અથવા સંપ્રદાયનું અપમાન કરે છે. ત્યાર બાદ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ નૂપુરે પોતાનું નિવેદન પાછું લેવાની જાહેરાત કરી હતી. અહીં ઉલ્લેખનિય છે કે આ વિવાદિત નિવેદન બાદ નૂપુર શર્મા મુસ્લિમ કટ્ટરપંથીઓના ટાર્ગેટ પર આવી ગઈ હતી, તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી. ત્યાર બાદ તેમને સુરક્ષા આપવામાં આવી હતી.