આ મામલે આગામી સુનાવણી થશે 21 ફેબ્રઆરીએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે સંભલમાં જામા મસ્જિદ પાસેના કૂવાને હરિ મંદિરનો કૂવો કહેવા અને પૂજાની મંજૂરી આપવાના નગર પાલિકાના નોટિફિકેશન પર રોક લગાવી દીધી છે. જોકે, કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું કે, મસ્જિદ સિવાય બીજા લોકો પણ કૂવાનો ઉપયોગ કરી શકે છે, તેના પર કોઈ રોક લગાવવામાં નથી આવી. આ સિવાય સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ મામલે આગળની સુનાવણી ૨૧ ફેબ્રુઆરીએ થશે.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ સંજય કુમારની ખંડપીઠે નિર્દેશ કર્યો કે, મંજૂરી વિના કૂવાના સંબંધિત કોઈ પગલું લેવામાં નહીં આવે. આ સાથે જ અધિકારીઓને બે અઠવાડિયાની અંદર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે.
શાહી જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ દાખલ કરેલી અરજીમાં સંભલ સિનિયર ડિવિઝન સિવિલ જજે ૧૯ નવેમ્બર, ૨૦૨૪ના આદેશને ચેલેન્જ કરવામાં આવ્યો હતો. જેમાં મસ્જિદના સર્વેક્ષણને લઈને એડવોકેટ કમિશનરની નિયુક્તિની મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે, સર્વેક્ષણના કારણે હિંસા અને જાનહાનિ થઈ છે. જેના કારણે સુપ્રીમ કોર્ટે તત્કાલ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. મેનેજમેન્ટ કમિટીએ પ્રતિનિધિત્વ કરી રહેલાં વરિષ્ઠ વકીલ હુફેઝા અહેમદીએ કૂવાના ઐતિહાસક મહત્ત્વ પર ભાર આપતા કહ્યું કે, અમે અનાદિ કાળથી આ કૂવાથી પાણી કાઢતા આવીએ છીએ. એક નોટિસમાં આ સ્થળને હરિ મંદિર જણાવવામાં આવ્યું છે અને ત્યાં ધાર્મિક ગતિવિધિ કરવાનું શરૂ કરી દીધું. તેના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું, આવી કોઈપણ ગતિવિધિને મંજૂરી નહીં આપવામાં આવે.
કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ કહ્યું. બેન્ચે કહ્યું કે, કૂવાની યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ અને તેના સંબંધિત કોઈપણ નોટિસ પ્રભાવી નહીં થાય. હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરનાર વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, કૂવો મસ્જિદ પરિસરની બહાર છે અને ઐતિહાસિક રૂપે તેનો ઉપયોગ પૂજા માટે કરવામાં આવતો હતો. વળી, અહેમદીએ કહ્યું કે, કૂવો આંશિક રૂપે મસ્જિદ પરિસરની અંદર અને આંશિક રૂપે બહાર છે. તેઓએ પોતાના દાવાના સમર્થનમાં ગૂગલ મેપ્સની એક તસવીર પણ બતાવી.