Last Updated on by Sampurna Samachar
૮ બસોના કાફલા પર આત્મઘાતી બોમ્બ હુમલો કર્યો
અગાઉ ટ્રેન હાઇજેક કર્યાનો બન્યો હતો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો થયો છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે નુશ્કી વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોથી ભરેલી બસો પર હુમલો કરવામાં આવ્યો છે. આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં લગભગ ૯૦ સૈનિકો માર્યા ગયા છે. BLA ની મજીદ બ્રિગેડ અને ફતહ સ્ક્વોડે ૮ બસોના કાફલા પર આત્મઘાતી બોમ્બ હુમલો કર્યો હતો. હુમલામાં તમામ ૮ બસો અને સેનાના જવાનો બળીને રાખ થઈ ગયા હતા.
બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની (PAKISTHAN) સેના પર આત્મઘાતી હુમલો કરવાનો દાવો કર્યો છે. BLA ના જણાવ્યા અનુસાર, તેમની મજીદ બ્રિગેડ અને ફતેહ બ્રિગેડે સેનાના કાફલા પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં ૯૦ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. BLA ના જણાવ્યા અનુસાર ક્વેટાથી કફ્તાન જઈ રહેલા ૮ લશ્કરી વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. ફિદાયીન લડવૈયાઓએ નોશ્કીના હાઇવે નજીક વાહનોને નિશાન બનાવ્યા હતા. નોશ્કીના SHO ઝફરુલ્લાહ સુલેમાનીએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે એક ફિદાયીન સેનાના કાફલા સાથે અથડાયો હતો.
વાહન પર આત્મઘાતી હુમલો કરાયો
ત્યારબાદ BLA ની ફતેહ સ્ક્વોડના લડવૈયાઓ સેનાના કાફલામાં ઘૂસી ગયા અને જવાનોની હત્યા કરી. જે વાહન પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણ રીતે નાશ પામ્યો હતો. સુલેમાનીના જણાવ્યા અનુસાર ઘાયલોને નોશ્કી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. માત્ર ૫ દિવસ પહેલા જ BLA એ પેસેન્જર ટ્રેન હાઈજેક કરી હતી. તેમાંથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈન્યના કાફલા પર થયેલા આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. હુમલો ક્વેટાથી ૧૫૦ કિ.મી. દૂર નોશકીમાં થયો હતો. આ હુમલા બાદ સૈન્યએ વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોન તહેનાત કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ BLA દ્વારા પાકિસ્તાનની જાફર એક્સપ્રેસને હાઈજેક કરી લીધી હતી અને આ ઘટનામાં અનેક દિવસોના ઘટનાક્રમ બાદ BLA દ્વારા ૨૧૪ થી વધુ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં.
તાજેતરના હુમલામાં પાકિસ્તાની સૈન્યના કાફલામાં કુલ ૮ બસ સામેલ હતી જેમાંથી એક બસમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાફલાની બીજી એક બસને પણ BLA ના બળવાખોરો દ્વારા ઘેરી લેવામાં આવી હતી અને તેમાં સવાર તમામ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધાનો દાવો કરાયો હતો.
BLA નો દાવો છે કે તેમણે અત્યાર સુધી કુલ ૯૦ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પાકિસ્તાનમાંથી બલૂચિસ્તાનને અલગ કરવાની માગ કરનારા બળવાખોર જૂથ બલૂચ લિબરેશન આર્મી સક્રિય બન્યું છે. જુદા-જુદા વિસ્તારોમાં હુમલાઓ કરી રહ્યું છે. જેમાં તે મોટાભાગે પાકિસ્તાનની આર્મીને ટાર્ગેટ બનાવી રહ્યું છે. ટ્રેન હાઈજેક કરી ત્યારે પણ તેમાં મોટાભાગના સુરક્ષાકર્મી હતા.
બલૂચ આતંકીઓએ સરકાર સમક્ષ બલુચ જૂથના રાજકીય કેદીઓ અને કાર્યકરોને મુક્ત કરવાનું અલ્ટિમેટમ મૂક્યુ હતું. છેલ્લા પાંચ વર્ષમાં બલૂચ આતંકીઓ દ્વારા પાકિસ્તાનમાં હુમલાનું પ્રમાણ ચાર ગણુ વધ્યું છે. ૨૦૨૪માં ૧૭૧ હુમલા કર્યા હતાં. જેમાં ૫૯૦ થી વધુ લોકો માર્યા ગયા હતાં. છેલ્લા દસ વર્ષમાં પાકિસ્તાનમાં BLA આતંકી હુમલામાં ૬૨૬૩ લોકો માર્યા ગયા છે.