Last Updated on by Sampurna Samachar
ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું ભયાનક પૂર આવ્યું
ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં ૪ થી ૬ જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરની તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે ૮૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૧૦ બાળકો સહિત ૪૧ લોકો ગુમ છે. વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે કેર કાઉન્ટી, કોમલ કાઉન્ટી, હેય્સ કાઉન્ટી, બ્લેન્કો કાઉન્ટી, ગિલેસ્પી કાઉન્ટી, કેન્ડલ કાઉન્ટી સહિતના વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે.
ટેક્સાસના કેરવિલે, કમ્ફર્ટ, ઈન્ગ્રામ, હંટ, બોર્ને, ન્યૂ બ્રાઉનફેલ્સ, સેન માર્કોસ સહિતના શહેરો પર પૂરની તારાજીનો ભોગ બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક્સાસના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું ભયાનક પૂર આવ્યું છે. મૃત્યુઆંક ૮૧ થયો છે. જેમાં ૨૮ બાળકો પણ સામેલ છે. ટેક્સાસમાં મિસ્ટિક સમર કેમ્પમાં આવેલી ૧૦ બાળકીઓ સહિત ૪૧ જણ ગુમ છે.
૧૭૦૦થી વધુ ટીમો તહેનાત કરવામાં આવી
વહીવટી તંત્ર તમામની શોધ અને બચાવ કામગીરી કરી રહ્યું છે. આ કેમ્પમાં ૭૫૦ બાળકીઓએ ભાગ લીધો હતો. જેમાં ઘણી પૂરમાં તણાઈ ગઈ છે. જ્યારે ચારના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટી થઈ છે. હજી પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. જેથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.
અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ, ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવર્ડ્સ પ્લેટુ પ્રદેશોમાં માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો હતો. એવો અંદાજ છે કે આ વિસ્તારમાં લગભગ ૧.૮ લાખ કરોડ ગેલન વરસાદ પડ્યો હતું. કેર કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં ૧૦ થી ૧૫ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે રાષ્ટ્રીય હવામાન સેવાએ ૮ ઇંચ વરસાદનો અંદાજ લગાવ્યો હતો. આ ભારે વરસાદને કારણે, ગુઆડાલુપ નદીનું સ્તર માત્ર ૪૫ મિનિટમાં ૨૬ ફૂટ સુધી વધ્યું હતું. જેના લીધે પૂરની તારાજી સર્જાઈ હતી. વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે,૧૭૦૦થી વધુ ટીમો તહેનાત કરવામાં આવી છે. લગભગ ૮૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
વહીવટી તંત્રનું કહેવું છે કે, ટેક્સાસમાં સ્વતંત્રતા દિવસના અવસરે હજારો લોકો ઉમટ્યા હતાં. સાન એન્ટોનિયોની ઉત્તરે પિકનિક માટે ૭૫૦ છોકરીઓનો સમર કેમ્પ પણ યોજાયો હતો. પરંતુ અચાનક ધોધમાર વરસાદ વરસતાં બધા તણાયા હતા. કેટલા લોકો ગુમ છે, તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે.