Last Updated on by Sampurna Samachar
આખી જિંદગીની લગભગ ૯ કરોડની બચત ગુમાવી દીધી
૨૧ મહિનામાં ચાર મહિલાની જાળમાં ફસાયો વૃદ્ધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોશિયલ મીડિયા પર થયેલી એક અજાણી મિત્રતાએ મુંબઈના ૮૦ વર્ષના એક વૃદ્ધનું જીવન રમણભમણ કરી દીધું હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રેમ, સહાનુભૂતિ અને ખોટી મજબૂરીઓના નામે, એક વૃદ્ધ પુરુષ સાથે લગભગ ૮.૭ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી અને તે પણ ૨૧ મહિનામાં ૭૩૪ વ્યવહારો દ્વારા.

મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના મુંબઈમાં એક ૮૦ વર્ષીય વૃદ્ધ પુરુષે ભાગ્યે જ વિચાર્યું હશે કે ઓનલાઈન પ્રેમ શોધવો આટલો મોંઘો પડી શકે છે. આ માણસે ૨૧ મહિનામાં એક પછી એક, ત્રીજી અને પછી ચોથી મહિલાના ફંદામાં ફસાઈને પોતાની આખી જિંદગીની લગભગ ૯ કરોડની બચત ગુમાવી દીધી. આ પછી, વૃદ્ધ પુરુષ સમજી ગયો કે તેને પ્રેમના નામે છેતરવામાં આવ્યો છે.
૨૧ મહિનામાં છેતરપિંડી કરનાર એક જ વ્યક્તિ
આ પછી, તેણે પોલીસનો સંપર્ક કર્યો અને તેમને તેની આખી છેતરપિંડી વિશે જણાવ્યું. સાયબર પોલીસે કેસ નોંધીને છેતરપિંડીના આ કેસની તપાસ શરૂ કરી છે. પોલીસ પહેલા એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે ૨૧ મહિનામાં વૃદ્ધ પુરુષને ૪ વખત છેતરપિંડી કરનાર વ્યક્તિ એક જ આરોપી છે કે પછી અલગ-અલગ લોકોએ તેની સાથે છેતરપિંડી કરી છે.
સાયબર છેતરપિંડીનો ભોગ બનેલ ૮૦ વર્ષીય વૃદ્ધ મુંબઈમાં તેના પુત્ર અને પુત્રવધૂ સાથે રહે છે. એપ્રિલ ૨૦૨૩ માં, ફરિયાદીએ ફેસબુક પર શર્વી નામની મહિલાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. બંને એકબીજાને ઓળખતા ન હતા અને શર્વીએ તેની રિક્વેસ્ટ સ્વીકારી ન હતી. પરંતુ થોડા દિવસો પછી, શર્વીએ વૃદ્ધાને પાછી રિક્વેસ્ટ મોકલી અને તેણે તે સ્વીકારી લીધી.
બંનેએ ઓનલાઈન ચેટિંગ શરૂ કર્યું અને બાદમાં વોટ્સએપ નંબરની આપ-લે કરી. શર્વીએ કહ્યું કે તે તેના પતિથી અલગ થઈ ગઈ છે અને તેના બાળકો સાથે રહે છે. તેણીએ ધીમે ધીમે વૃદ્ધ પાસેથી પૈસા માંગવાનું શરૂ કર્યું, તેના બાળકોની બીમારીનું બહાનું બનાવીને, અને તેણે પૈસા આપ્યા. શાર્વી વૃદ્ધ માણસ સાથે વાત કરી રહી હતી, તે દરમિયાન કવિતા એક અશ્લીલ મેસેજ લઈને દાખલ થઈ.
કવિતા નામની એક મહિલાએ વૃદ્ધ માણસને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો. કવિતાએ કહ્યું કે શર્વીએ તેને તેનો નંબર આપ્યો છે. કવિતા સીધી મુદ્દા પર આવી અને કહ્યું કે તે તેની સાથે મિત્રતા કરવા માંગે છે. વૃદ્ધે પણ આ તક ગુમાવી નહીં. કવિતાએ અશ્લીલ મેસેજ મોકલીને નિકટતા વધારી અને પછી એ જ જૂનું ફોર્મ્યુલા અપનાવીને, બીમાર બાળકોની સારવાર માટે પૈસા માંગ્યા. વૃદ્ધ માણસ કવિતાને પણ પૈસા આપવા લાગ્યો.
ડિસેમ્બર ૨૦૨૩મા વધુ એક પાત્રની કહાનીમાં એન્ટ્રી થઈ જેનું નામ હતું દિનાઝ. જેણે ખુદને શાર્વીની બહેન ગણાવી અને કહ્યું કે શાર્વી હવે આ દુનિયામાં નથી રહી. દિનાઝે જણાવ્યું કે શાર્વી મરતા પહેલા ઈચ્છતી હતી કે વૃદ્ધ તેનું હોસ્પિટલનું બિલ ભરે. દિનાઝે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ મોકલ્યા અને પૈસા સેરવી લીધા. બાદમાં જ્યારે વૃદ્ધે પૈસા પરત આપવાની વાત કરી તો દિનાઝે આત્મહત્યાની ધમકી આપી.
આ પછી, જાસ્મીન નામની એક મહિલાએ પોતાને દિનાઝની મિત્ર તરીકે ઓળખાવી અને મદદ માટે વિનંતી કરી. વૃદ્ધે તેણીને પણ પૈસા મોકલ્યા. જ્યારે વૃદ્ધ માણસની બધી બચત ખતમ થઈ ગઈ, ત્યારે તેણે તેની પુત્રવધૂ પાસેથી રૂ.૨ લાખ ઉછીના લીધા, પરંતુ માંગણીઓ બંધ ન થઈ. એપ્રિલ ૨૦૨૩ થી જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં, વૃદ્ધે કુલ ૭૩૪ વખત પૈસા મોકલ્યા, જેની કુલ રકમ રૂ.૮.૭ કરોડ થઈ. અંતે, તેણે તેના પુત્ર પાસે ?૫ લાખ માંગ્યા. પુત્રને શંકા ગઈ અને તેણે સમગ્ર બાબત વિશે પૂછ્યું. જ્યારે વૃદ્ધે સત્ય કહ્યું, ત્યારે પુત્ર ચોંકી ગયો.
આખી છેતરપિંડી પ્રકાશમાં આવ્યા પછી, વૃદ્ધ વ્યક્તિને ખૂબ જ આઘાત લાગ્યો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તપાસ બાદ, ડોકટરોએ શોધી કાઢ્યું કે વૃદ્ધ વ્યક્તિને ડિમેન્શિયા (યાદશક્તિ અને વિચારસરણીની સમસ્યાઓ) છે. ૨૨ જુલાઈ ૨૦૨૫ ના રોજ, વૃદ્ધાએ સાયબર હેલ્પલાઇન ‘૧૯૩૦‘ પર ફરિયાદ કરી અને પછી ૬ ઓગસ્ટના રોજ, કંટ્રોલ રૂમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.