Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઘટના પર સંવેદના વ્યક્ત કરી
ગનપાઉડરના ઢગલામાં આગ લાગી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશ બાદ હવે આંધ્ર પ્રદેશમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ૮ કામદારોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ વિસ્ફોટ આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં થયો હતો, જેના કારણે ફેક્ટરી સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે અને રાહત કાર્યને ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુતલા ગામમાં બન્યો હતો. ફેક્ટરીની અંદર અચાનક જોરદાર વિસ્ફોટ થવા લાગ્યા હતા. આ વિસ્ફોટોમાં ઘટનાસ્થળે જ ૬ કામદારોના મોત થયા હતા. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાજ્યના ગૃહમંત્રીએ મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરી
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથે વાતચીત કરી હતી અને તેમને રાહત કાર્ય ઝડપથી શરૂ કરવા જણાવ્યું હતું. તેમણે ઘાયલ થયેલા તમામ કામદારોને યોગ્ય અને સારી સારવાર મળે તેની ખાતરી પણ આપી છે. રાજ્યના ગૃહમંત્રી અનિતા પણ આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે અને તેમણે ઘાયલ કામદારોને શ્રેષ્ઠ સારવાર આપવા સૂચના આપી છે. સાથે જ, તેમણે મૃતકોના પરિવારો અને ઘાયલોને આર્થિક સહાય પૂરી પાડવાની પણ ખાતરી આપી છે.
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું અને ત્યારે જ ફેક્ટરીમાં રાખેલા ગનપાઉડરના ઢગલામાં આગ લાગી હતી, જેના કારણે એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની છત તૂટી પડી હતી અને કાટમાળ આસપાસના અડધા કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે ફેક્ટરીમાં ૩૦ થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. રાહત અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ૨૦ થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હાલમાં પણ ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન ચાલુ છે, જેથી કોઈ ફસાયેલું હોય તો તેને બહાર કાઢી શકાય. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીઓમાં આવા ગંભીર અકસ્માતો બન્યા છે.