Last Updated on by Sampurna Samachar
અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં નહીં
શ્વાન કરડવાની ઘટના ગંભીર , નિષ્ણાંતોએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનોના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માહિતી મુજબ સલાયામાં શ્વાનોના હુમલાની ઘટનાઓએ રહીશોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. વાત કરીએ તો સલાયામાં એક જ દિવસમાં શ્વાનોએ નાના બાળકો અને વૃદ્ધો સહિત કુલ ૮ લોકોને બચકા ભરી લોહીલુહાણ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા ઘણાં દિવસમાં ૯૭ જેટલા લોકો શ્વાન કરડવાનો ભોગ બન્યા છે. ગલીઓ, મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ શ્વાનોના નિયંત્રણ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.
શ્વાનની લાળમાં રહેલો રેબિઝ વાયરસ અત્યંત જીવલેણ
શ્વાનોના વધતા ત્રાસને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. માતા-પિતા હવે બાળકોને શેરીમાં એકલા રમવા મોકલતા ડરી રહ્યા છે. સવાર-સાંજ ચાલવા નીકળતા વડીલો પર હુમલાની ભીતિ સેવાઈ રહી છે. શ્વાન કરડ્યા બાદ હોસ્પિટલના ધક્કા અને મોંઘી સારવારને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ પણ વધી રહ્યો છે. નિષ્ણાંતોના મતે શ્વાન કરડવાની ઘટનાને હળવાશથી લેવી જોઈએ નહીં. શ્વાનની લાળમાં રહેલો રેબિઝ વાયરસ અત્યંત જીવલેણ છે