Last Updated on by Sampurna Samachar
ગુજરાતમાંથી ૧૫૦થી વધુ વ્યક્તિઓને મળ્યુ ખાસ આમંત્રણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાંથી ૧૫૦ થી વધુ વ્યક્તિઓને પ્રજાસત્તાક દિવસની પરેડ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશ આ વર્ષે તેનો ૭૬ મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઇ રહ્યો છે. ત્યારે તેની ઉજવણીને ભવ્ય બનાવવા માટે સરકાર વધારે પ્રયત્નો કરી રહી છે.

ત્યારે આ ઉજવણીને સામન્ય લોકો સુધી પહોંચડવા માટે સરકારે આ વર્ષે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને માન આપવા માટે નવી દિલ્લીના કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડ ૨૦૨૫ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહેમાનો પોતપોતાના ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા છે અને સ્વર્ણિમ ભારતના શિલ્પી છે. આ મહેમાનો પોતાની સાથે પરિવારના એક સભ્યને પણ લઈ જઈ શકશે. રાષ્ટ્રના આવા ગૌરવસમાન પ્રસંગે ગુજરાતમાંથી ૧૭૫ થી વધુ લોકોને આ આમંત્રણ મળ્યું છે.
પ્રજાસત્તાક દિવસની પરેડ માટે સમગ્ર ભારતમાંથી ખાસ મહેમાનો તરીકે આમંત્રિત લોકોમાં ગુજરાતમાંથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ, હેન્ડીક્રાફ્ટમાં સારું પ્રદર્શન કરનારા વ્યક્તિઓ, ગ્રામિણ વિકાસ માટે મહત્વનો ફાળો આપવા બદલ સ્વ-સહાય જૂથની બહેનો, શ્રેષ્ઠ પાણી સમિતિ, વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વનો ફાળો આપનારા, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, શ્રેષ્ઠ પેટન્ટ ધરાવનારા, શ્રેષ્ઠ સ્ટાર્ટ અપ, હેન્ડલૂમ આર્ટિસન, પુનઃપ્રાપ્ય ઊર્જા કાર્યકર, રોડ બનાવનારા કાર્યકરો ૦૩ વાઇબ્રન્ટ વિલેજના સરપંચ સહિત અન્ય ૨૨ સરપંચ, પેરા ઓલમ્પિયન વિજેતાઓ, અને પ્રધાનમંત્રીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં નોંધ લીધી એવા વ્યક્તિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.
દિલ્હી જવાના પોતાના અનુભવ બાબતે વાઈબ્રન્ટ વિલેજના સરપંચ અમરભાઈએ જણાવ્યું હતું કે,” જૂથ પંચાયતમાં કરવામાં આવેલા વિવિધ વિકાસકામોની નોંધ દિલ્હીમાં લેવાશે એવી કલ્પના ન હતી. આ સારા કામ બાબતે દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું છે તે બદલ આનંદ અનુભવું છું અને સરકારનો આભાર માનું છું.”
સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનાં ૦૯ લાભાર્થીઓને પરેડ જોવાની સાથે રાષ્ટ્રપતિને મળવાની તક પણ મળશે. જેમાંથી ૦૮ માછીમારો જામનગરનાં સચાણા ગામનાં રહીશો છે. ૨૬ જાન્યુઆરીએ દિલ્હી જઈ રહેલા જામનગર જિલ્લાનાં સચાણા ગામનાં ૮ માછીમાર ભાઈઓ પૈકી બશીરભાઈએ કહ્યું કે, દિલ્હી જવાનું આ પ્રકારે આમંત્રણ અમારા ગામમાં પ્રથમવાર મળ્યું છે. અમને લોકોને ખુશી છે. જ્યારે અમારી સાથે ગામના લોકોને પણ ગર્વ થયો છે. અમે આમંત્રણ આપવા બદલ સરકારનો આભાર માનીએ છીએ.
આ ઉપરાંત પીએમ સૂર્ય ઘર યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, પીએમ કુસુમ યોજના, પીએમ યશસ્વી યોજના, પીએમ કિસાન યોજના, પીએમ કૃષિ સિંચાઇ યોજના, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ, ખેડૂત ઉત્પાદક સંગઠન અને સ્વયંસેવકોને પણ પરેડ જોવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.