Last Updated on by Sampurna Samachar
વિનાશક વાવાઝોડા દિતવાહથી પ્રભાવિત લોકોને આપી સારવાર
ફિલ્ડ હોસ્પિટલ બનાવી ૧૨૫૦ ઈજાગ્રસ્તોની સારવાર કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિનાશક વાવાઝોડા દિતવાહથી પ્રભાવિત થયેલા શ્રીલંકામાં ભારતીય સેના માનવીય સહાય પૂરી પાડી રહી છે. વાવાઝોડાને કારણે શ્રીલંકામાં ભારે જાનમાલનું નુકસાન થયું હતું, રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને અનેક ઘરોમાં પાણી ભરાયા હતા. આ સ્થિતિમાં સેંકડો લોકોને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હતી. જેમાં ભારતીય સેનાની મેડિકલ ટીમ દ્વારા સ્થાપિત ફિલ્ડ હોસ્પિટલે અત્યાર સુધીમાં ૧૨૫૦થી વધુ અસરગ્રસ્ત નાગરિકોની સારવાર કરી છે, જેમાં પાંચ મોટી ઈમરજન્સી સર્જરી પણ સામેલ છે.

ભારતીય સેનાની ૭૩ સભ્યોની તબીબી ટીમ ૨ ડિસેમ્બરે શ્રીલંકા પહોંચી હતી. ત્યારબાદ ૫ ડિસેમ્બરથી મહિયંગનાયામાં એક સંપૂર્ણ રીતે કાર્યરત ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી. આ હોસ્પિટલમાં ડોકટરો, નર્સીસ અને અનેક ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત છે. તેમજ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ, ઈમરજન્સીની સારવાર, નાની સર્જરી, ઈજાઓ, ચેપ અને આપત્તિથી ઊભી થયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉપચાર કરવામાં આવી રહ્યો છે.
આ યોગદાન બંને દેશો વચ્ચે સબંધ મજબૂત કરશે
સેના દ્વારા જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલને વાયુસેનાના C-17 MCC વિમાન દ્વારા એરલિફ્ટ કરવામાં આવી હતી. ભારતીય સેનાના આ તબીબી દળમાં ઘાયલ વ્યક્તિઓ માટે એડવાન્સ્ડ ડ્રેસિંગ સ્ટેશન અને મોબાઇલ સર્જિકલ ટીમોનો સમાવેશ થાય છે. તેમની પાસે પૂર્ણ સુસજ્જ ઓપરેશન થિયેટર છે, જે મોટી અને નાની બંને પ્રકારની સર્જરી કરવા સક્ષમ છે. ઉપરાંત, અહીં એક સમયે ૨૦થી ૩૦ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવાની સુવિધા છે.
રાહત અભિયાનોને ગતિ આપવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્ક પુન:સ્થાપિત કરવા માટે ભારતે શ્રીલંકાને ત્રણ બેઇલી બ્રિજ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. શ્રીલંકાઈ વહીવટીતંત્ર સાથે સંકલન કરીને આ પુલોના નિર્માણ માટે યોગ્ય સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જે રસ્તાના મહત્ત્વપૂર્ણ સંપર્કને પુન:સ્થાપિત કરવામાં ઝડપ લાવશે.
ભારતીય થલસેના દ્વારા મોકલાયેલું આ વિશેષ દળ મુખ્યત્વે ચિકિત્સા, એન્જિનિયરિંગ અને સિગ્નલ્સ સંબંધિત નિષ્ણાત એકમોનું બનેલું છે, જેનો ઉદ્દેશ્ય તાત્કાલિક રાહત અને પુનર્વસન કાર્યોને વેગ આપવાનો છે.
શ્રીલંકા સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ લસન્થા રોડ્રિગોએ મહિયંગનાયામાં સ્થાપિત ભારતીય ફિલ્ડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ભારતીય તબીબી દળ સાથે વાતચીત કરી હતી. તેમણે ભારત સરકાર અને ભારતીય સેનાના ઝડપી સહાયતા પ્રયાસોની પ્રશંસા કરતાં કહ્યું કે, ભારતની તીવ્ર અને સમયબદ્ધ મદદથી હજારો લોકો સુધી મહત્ત્વપૂર્ણ તબીબી સહાય પહોંચી છે. અમે ભારતના આ સહયોગ માટે આભારી છીએ.
ભારતીય સેનાએ જણાવ્યું છે કે, તેમની ફિલ્ડ હોસ્પિટલ આગામી દિવસોમાં પણ અસરગ્રસ્ત સમુદાયોને જરૂરી તબીબી સહાય પૂરી પાડતી રહેશે. દિતવાહ વાવાઝોડા બાદનું ભારતીય સેનાનું આ યોગદાન બંને દેશો વચ્ચેની ઐતિહાસિક મિત્રતા અને માનવીય સહયોગને મજબૂત કરી રહ્યું છે.