Last Updated on by Sampurna Samachar
વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયો
આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઝારખંડમાંથી એક માનવતાને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. ઝારખંડના રામગઢ જિલ્લામાં ચોરીની શંકામાં એક ૭ વર્ષના બાળકને ઝાડ સાથે બાંધી ર્નિદયતાપૂર્વક માર માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહ્યો છે. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર ૨૦ સેકન્ડનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં બાળકના હાથ-પગ બાંધેલા દેખાઈ રહ્યા હતા અને તેને ર્નિદયતાપૂર્વક માર મારવામાં આવી રહ્યો હતો.
પીડિત બાળકના મોટા ભાઈની ફરિયાદના આધાર પર ફરિયાદ દાખલ
આ ઘટના પતરાતૂ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડીઝલ કોલોનીમાં બની હતી. આરોપીની ઓળખ બબલૂ પ્રસાદ ઉર્ફે ટીકાધારી તરીકે થઈ છે, તેની ધરપકડ કરવામાં આવી હતી. પતરાતૂ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શિવલાલ ગુપ્તાએ જણાવ્યું છે કે, અમે વાઈરલ વીડિયોનું વિશ્લેષણ કર્યા બાદ મુખ્ય આરોપી બબલૂ પ્રસાદની ધરપકડ કરી લીધી છે, તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, પીડિત બાળકના મોટા ભાઈની ફરિયાદના આધાર પર ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો કે, બબલૂ પ્રસાદે કોલોનીના અન્ય બે માણસો સાથે મળીને બાળકને રોક્યો અને તેના પર પૈસા ચોરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ તેઓએ તેને ઝાડ સાથે બાંધી દીધો અને માર માર્યો. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં સામેલ અન્ય વ્યક્તિઓની ઓળખ કરવા અને પકડવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.