Last Updated on by Sampurna Samachar
ભારતીય શ્રમિકો રશિયાની મસાફરી કરી શકશે
પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન ક્ષેત્રોને આવરી લેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે ૭ મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષરની જાહેરાત કરી હતી. આ કરારોમાં પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે રશિયાના પ્રવાસીઓને ભારત મફત ઈ-ટુરિસ્ટ વિઝા આપશે જે ૩૦ દિવસ માટે માન્ય ગણાશે. બંને દેશો વચ્ચે જે કરારો પર હસ્તાક્ષર થયા છે તેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
- કોઑપરેશન અને માઇગ્રેશન એગ્રીમેન્ટ
- અસ્થાયી શ્રમિક ગતિવિધિ પર કરાર
- હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન પર કરાર
- ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ પર કરાર
- પોલર શિપ પર કરાર
- મેરિટાઇમ કોઑપરેશન પર કરાર
- ફર્ટિલાઇઝર (ખાતરો) પર કરાર
ફર્ટિલાઇઝર અંગેના કરારને ભારત માટે મોટો ફાયદો માનવામાં આવે છે. આ કરાર હેઠળ, ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરશે. ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પાયે યુરિયાની આયાત કરે છે. સંયુક્ત ઉત્પાદન શરુ થવાથી ભારતને યુરિયાની આયાત પરની ર્નિભરતા ઘટાડવામાં મદદ મળશે.
રશિયા અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત
ભારતીય શ્રમિકો માટે આ કરાર ખૂબ સારા સમાચાર છે. આનાથી ભારતીય શ્રમિકો વ્યવસ્થિત રીતે રશિયા મુસાફરી કરી શકશે અને વધુ સારા પગાર મેળવી શકશે. યુરોપિયન દેશોમાં નિયમો કડક થતાં આ કરાર મહત્ત્વપૂર્ણ બન્યો છે.
વડાપ્રધાન મોદીએ રશિયાના લોકો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી કે ભારતે રશિયનો માટે મફત ઈ-ટૂરિસ્ટ વિઝા શરુ કર્યા છે, જે ૩૦ દિવસ માટે માન્ય રહેશે. નોંધનીય છે કે, કેનેડા અને યુકે જેવા યુરોપિયન દેશોમાં વધતા કડક સ્થળાંતર નિયમો વચ્ચે આ કરાર રાહત પૂરી પાડે છે.
પુતિન સાથેની બેઠકમાં યુક્રેન સંકટ પર વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે યુક્રેન મુદ્દે આપણી વચ્ચે સતત ચર્ચા થતી રહે છે. એક સાચા મિત્રના રૂપે તમે પણ તમામ ઘટનાઓથી અમને પરિચિત કર્યા. મને વિશ્વાસ છે કે વિશ્વ ફરી શાંતિના માર્ગ પર પરત ફરશે.
પાછલા દિવસોમાં જ્યારે પણ મારી દુનિયાના નેતાઓ સાથે વાત થઈ ત્યારે મેં વારંવાર કહ્યું છે કે ભારત ન્યૂટ્રલ ( તટસ્થ ) નથી, ભારત શાંતિના પક્ષમાં છે. શાંતિના તમામ પ્રયાસોમાં અમે તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ. વિશ્વએ કોવિડથી લઈને અત્યાર સુધી ઘણા સંકટ જાેયા છે, આશા છે કે હવે પ્રગતિની રાહ પર આગળ વધશે. જેના જવાબમાં પુતિને પણ કહ્યું કે, રશિયા પણ શાંતિના જ પક્ષમાં છે. યુક્રેન સંઘર્ષ પર વાતચીત ચાલી રહી છે અને હું તમને આ વિષય અંગે સમય સમય પર અપડેટ આપતો રહીશ.
પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે ૨૦૦૧માં તમે પદ સંભાળ્યું અને પહેલીવાર ભારત આવ્યા હતા, તે વાતને ૨૫ વર્ષ થઈ ગયા. તે પહેલી ભારત મુલાકાતમાં તમે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો નાંખ્યો હતો. મારા માટે પણ ખુશીની વાત છે કે તમારા અને મારા સંબંધોને પણ ૨૫ વર્ષ થયા. તમે ૨૦૦૧માં જે ભૂમિકા નિભાવી તે એક દીર્ઘદૃષ્ટા નેતાનું ઉત્તમ ઉદાહરણ છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, “અમારો વેપાર રુબેલ્સ અને રૂપિયામાં થાય છે. અમે મેક ઇન ઇન્ડિયામાં સહયોગ કરીશું. અમે નવા લોજિસ્ટિક્સ રૂટ બનાવવા અંગે પણ ચર્ચા કરી રહ્યા છીએ. હિંદ મહાસાગર માર્ગનો ઉપયોગ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. અમે મશીન ઉત્પાદનમાં સહયોગ કરવા તૈયાર છીએ. અમે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં પણ સહયોગ કરવા તૈયાર છીએ, જે પીએમ નરેન્દ્ર મોદીના હૃદયની નજીક છે.”
પુતિને વધુમાં જણાવ્યું કે, પીએમ મોદી અને મેં વાત કરી છે. અમે ટેલિફોન દ્વારા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ચાલુ રાખીએ છીએ. રશિયા અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. અમારા સંબંધો આર્થિક સહિત દરેક જગ્યાએ મજબૂત થઈ રહ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, “હું રશિયન પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા અને આતિથ્યપૂર્ણ સ્વાગત માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અમારા બધા ભારતીય સાથીઓનો આભાર માનું છું. ગઈકાલે, પીએમ મોદીએ તેમના ઘરે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું, અને હું તે માટે તેમનો આભાર માનું છું.”
પીએમ મોદીએ કહ્યું કે, “દશકોથી, બંને દેશોના લોકો પરસ્પર સ્નેહ, આદર અને આત્મીયતાની ભાવના ધરાવે છે. અમે અનેક પગલાં લીધાં છે. તાજેતરમાં, બે નવા રશિયન-ભારતીય કોન્સ્યુલેટ ખોલવામાં આવ્યા છે, જે આપણી નિકટતાને મજબૂત બનાવશે. આ વર્ષે ઓક્ટોબરમાં, લાખો યાત્રાળુઓએ કાલ્મીકિયામાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોની મુલાકાત લીધી હતી. અમે રશિયન નાગરિકો માટે ૩૦-દિવસના ઈ-ટૂરિસ્ટ વિઝા અને ૩૦-દિવસના ગ્રુપ ઈ-વિઝા રજૂ કરી રહ્યા છીએ.”
પીએમ મોદીએ કહ્યું કે, “ઊર્જા સુરક્ષા ભારત-રશિયા ભાગીદારીનો એક મજબૂત અને મહત્વપૂર્ણ આધારસ્તંભ રહ્યો છે. નાગરિક પરમાણુ ઊર્જામાં આપણો દાયકાઓ જૂનો સહયોગ આપણી સહિયારી સ્વચ્છ ઊર્જા પ્રાથમિકતાઓને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ રહ્યો છે. આપણે આ વિન-વિન સહયોગ ચાલુ રાખીશું.
વિશ્વભરમાં સુરક્ષિત અને વૈવિધ્યસભર સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ખનિજાેમાં આપણો સહયોગ મહત્વપૂર્ણ છે. આ સ્વચ્છ ઊર્જા, ઉચ્ચ-ટેક ઉત્પાદન અને નવા ઉભરતા ઉદ્યોગોમાં આપણી ભાગીદારી માટે મજબૂત પાયો પૂરો પાડશે.” તેમણે વધુમાં કહ્યું કે, “જહાજ નિર્માણમાં આપણો ઊંડો સહયોગ મેક ઇન ઇન્ડિયાને વધુ મજબૂત બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ આપણા વિન-વિન સહયોગનું બીજું એક મહાન ઉદાહરણ છે, જે રોજગાર, કૌશલ્ય અને પ્રાદેશિક જાેડાણને વેગ આપશે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે રાષ્ટ્રપતિ પુતિન અને મને ભારત-રશિયા બિઝનેસ ફોરમમાં હાજરી આપવાની તક મળશે. મને વિશ્વાસ છે કે, આ ફોરમ આપણા વ્યાપાર સંબંધોને નવી ગતિ આપશે. તે નિકાસ, સહ-ઉત્પાદન અને સહ-નવીનતા માટે પણ નવા દરવાજા ખોલશે. બંને પક્ષો યુરેશિયન આર્થિક સંઘ સાથે હ્લ્છ ના વહેલા નિષ્કર્ષ માટે પ્રયત્નશીલ છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં, પીએમ મોદીએ કહ્યું કે, મને આજે ૨૩મા ભારત-રશિયા સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં ખૂબ આનંદ થાય છે. તેમની મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે આપણા દ્વિપક્ષીય સંબંધો ઘણા ઐતિહાસિક સીમાચિહ્નો અનુભવી રહ્યા છે. છેલ્લા ૮ દાયકામાં વિશ્વએ ઘણા ઉતાર-ચઢાવ જાેયા છે. માનવતાએ અસંખ્ય પડકારો અને કટોકટીઓનો સામનો કર્યો છે, અને આ બધા દરમિયાન, ભારત-રશિયા મિત્રતા ધ્રુવ તારા જેવી રહી છે. પરસ્પર આદર અને ઊંડા વિશ્વાસ પર આધારિત આ સંબંધ હંમેશા સમયની કસોટી પર ખરો ઉતર્યો છે.
ભારત અને રશિયાએ મુખ્ય કરારો પર હસ્તાક્ષર કર્યા છે. એક લેબર એક્ટિવિટી કરાર કરવામાં આવ્યા છે, જેના હેઠળ ભારતના લોકો રશિયામાં કામ કરવા જશે. વધુમાં, આરોગ્ય, શિક્ષણ, ખાદ્ય સુરક્ષા, શિપિંગ, પરિવહન, ખાતર, કસ્ટમ બાબતો અને પોસ્ટલ સેવાઓ પર સ્ર્ંેં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “૧૫ વર્ષ પહેલાં, ૨૦૧૦માં, આપણી ભાગીદારીને વિશેષ વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીના દરજ્જા સુધી પહોંચાડવામાં આવી હતી. છેલ્લા અઢી દાયકાથી, તેમણે (રાષ્ટ્રપતિ પુતિન) પોતાના નેતૃત્વ અને દ્રષ્ટિકોણથી આ સંબંધને પોષ્યો છે. તેમના નેતૃત્વએ આપણા સંબંધોને સતત નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા છે. હું મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિનનો આ ઊંડી મિત્રતા અને ભારત પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે હૃદયપૂર્વક આભાર માનું છું.”