Last Updated on by Sampurna Samachar
રિક્ષાને પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારતા માતમ
અકસ્માતમાં બે ગંભીર રીતે ઘાયલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારની રાજધાની પટણા નજીક વહેલી સવારે એક કાળજું કંપાવી દેનારી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. મનેર ઉર્સનો મેળો જોઈને પરત ફરી રહેલા એક જ પરિવારના સભ્યોની રિક્ષાને પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારતા માતમ છવાઈ ગયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા તો બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બિહટા-આરા મુખ્ય માર્ગ પર પરેવ લેખન ટોલા પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ભોજપુર જિલ્લાના આરા વિસ્તારના રહેવાસી એક જ પરિવારના સભ્યો મનેર દરગાહ ખાતે ઉર્સનો મેળો જોઈને ઓટો રિક્ષામાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આરા તરફથી આવી રહેલા બેલગામ ટ્રકે ઓટોને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી
ટક્કર એટલી ભયાનક હતી કે ઓટોના ફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર અડધો ડઝન લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં ૩૩ વર્ષીય ગુડ્ડુ કુમાર, ૩૦ વર્ષીય મો. ઇમ્તિયાઝ, ૨૨ વર્ષીય શહઝાદ અને તેમના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. બિહટા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને કબજે કર્યા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકને જપ્ત કરી લીધી છે અને તેના ચાલકની ધરપકડ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પરિવારના સભ્યો હસતા-રમતા મેળામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા, પરંતુ એક બેદરકાર ટ્રક ચાલકે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે.
આ ઘટનાથી બિહટા અને આરા પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.