Last Updated on by Sampurna Samachar
લગ્નમાંથી પાછા ફરતી વખતે બની દુર્ઘટના
દૌસા જિલ્લાના કાલાઓ ગામના રહેવાસી હોવાનીં માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના દૌસામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં નેશનલ હાઇવે પર કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જે આ ઘટનામાં લગ્નમાંથી પાછા આવતા ૬ મિત્રના મોત નીપજ્યા હતા.

અકસ્માતની વિગતો અનુસાર જયપુર-આગરા નેશનલ હાઈવે પર કૈલાઈ ગામ પાસે રાત્રે લગભગ ૧૧ વાગ્યે પૂરઝડપે જતી કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર ડિવાડર પાર કરીને સીધી ટ્રેઈલર સાથે અથડાઈ હતી. જેમાં ૬ લોકોના મોત થયા હતા , જેઓ દૌસા જિલ્લાના કાલાઓ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તમામ લોકો આભાનેરી ગામમાં એક લગ્ન સમારોહમાં ગયા હતા. આમ, લગ્નમાંથી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો હતો.
એક સાથે ૬ યુવકનો મોતથી પંથકમાં શોકનો માહોલ
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, કારે અચાનક કાબૂ ગુમાવ્યો અને સીધી ડિવાઈડર કુદીને બીજી લાઈનમાં જતી રહી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં સિકંદરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જેમાં કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. ટ્રેઈલરમાં ફસાયેલી કારને ભારે મહેનત બાદ કાઢવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સિકંદરા હોસ્પિટલમાં ચાર યુવકોને મૃત જાહેર કરવામાં આવ્યા. જ્યારે અન્ય બે યુવકને પ્રાથમિક સારવાર બાદ દૌસા રિફર કરાયા હતા. જેમાંથી એક યુવકનું દૌસામાં મોત થયું હતું, જ્યારે બીજાને ગંભીર હાલતમાં જયપુરની જીસ્જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, અકસ્માતમાં કુલ ૬ યુવકના મોત નીપજ્યા છે.
મૃતકોની ઓળખ સમયસિંહ રામસિંહ યોગી(ઉં.વ.૨૫), લોકેશ ગોવર્ધન યોગી(ઉં.વ.૨૪), દિલખુશ બનવારી યોગી(ઉં.વ.૨૪), મનીષ હરિમોહન યોગી(ઉં.વ.૨૩), અંકિત લાલારામ બૈરવા(ઉં.વ.૨૬) અને નવીન(૨૩) તરીકે થઈ છે. એક સાથે ૬ યુવકનો મોતના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.