Last Updated on by Sampurna Samachar
વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ પ્રમાણે દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની
ભારત વિશ્વનું પાંચમું સૌથી પ્રદૂષિત શહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોની યાદી સામે આવી ગઈ છે, જેમાં ૧૩ શહેરો તો એકલા ભારતના જ છે. આમાં સૌથી પ્રદૂષિત શહેર મેઘાલયનું બર્નીહાટ છે. IQAIR દ્વારા પ્રકાશિત કરાયેલ ‘વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ ૨૦૨૪‘ પ્રમાણે દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની છે.
જો આપણે દેશોની વાત કરીએ તો ભારત વિશ્વનું પાંચમું સૌથી પ્રદૂષિત શહેર છે. આ આંકડો વર્ષ ૨૦૨૪ ને લઈને જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ૨૦૨૩માં ભારત ત્રીજા સ્થાને હતું. આમ પ્રદૂષણના મામલે ભારતમાં થોડો સુધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં PM ૨.૫ પાર્ટિકલ્સની ઘનતામાં ૭% સુધીનો ઘટાડો થયો છે. જો આપણે ટોપ ૧૦ શહેરોની વાત કરીએ, તો ૬ એકલા ભારતમાં જ છે.
વાયુ પ્રદૂષણ સતત ચિંતાનો વિષય
ભારતના જે ૧૩ શહેરોને સૌથી વધુ પ્રદૂષિત માનવામાં આવ્યા છે તેમાં પંજાબથી લઈને મેઘાલય સુધીના શહેરો સામેલ છે. આ યાદીમાં બર્નીહાટ પહેલા નંબર પર છે બીજી તરફ દિલ્હી બીજા નંબર પર છે. દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીની શ્રેણીમાં છે. આ ઉપરાંત પંજાબનું મુલ્લાનપુર ત્રીજા સ્થાને છે. ફરીદાબાદ ચોથા નંબર પર છે. ત્યારબાદ ગાઝિયાબાદનું લોની, નવી દિલ્હી, ગુરુગ્રામ, ગંગાનગર, ગ્રેટર નોઈડા, ભીવાડી, મુઝફ્ફરનગર, હનુમાનગઢ અને નોઈડાનો નંબર આવે છે.
એકંદરે ભારતના ૩૫% શહેરો એવા છે. જ્યાં PM ૨.૫નું લેવલ WHO દ્વારા તૈયાર કરાયેલી યાદી કરતા ૧૦ ગણું વધારે છે. વિશ્વ આરોગ્ય સંગઠનની મર્યાદા પ્રતિ ક્યૂબિક મીટર ૫ માઈક્રોગ્રામ છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં વાયુ પ્રદૂષણ સતત ચિંતાનો વિષય રહ્યો છે અને તે એક મોટું સ્વાસ્થ્ય જોખમ પણ છે. પ્રદૂષણના કારણે ભારતમાં લોકોના આયુષ્યમાં સરેરાશ ૫.૨ વર્ષનો ઘટાડો થઈ રહ્યો છે.
લેન્સેટ હેલ્થ સ્ટડી પ્રમાણે ૨૦૦૯થી ૨૦૧૯ની વચ્ચે ૧.૫ મિલિયન મૃત્યુનું કારણ પીએમ ૨.૫ પ્રદૂષણના વધુ પડતા સંપર્કમાં આવવાનું હતું. પીએમ ૨.૫નો અર્થ હવામાં ફેલાયેલા એ પ્રદૂષક કણો છે જે ફેફસાંને અસર કરે છે. આનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ઘણી વખત હૃદય રોગ અને કેન્સર પણ આના કારણે થાય છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક ઉત્સર્જન અને પાક અને લાકડાને બાળવા એ વાયુ પ્રદૂષણના મુખ્ય પરિબળો છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક અને આરોગ્ય મંત્રાલયના સલાહકાર સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, ભારતે એર ક્વોલિટીના ડેટા કલેક્શનમાં સુધારો કર્યો છે, પરંતુ પૂરતા પગલાંનો અભાવ છે. અમારી પાસે ડેટા તો છે, પરંતુ હવે એક્શન પણ લેવું પડશે. કેટલાક ઉકેલો સરળ છે, જેમ કે બાયોમાસને LPG થી બદલવું.
ભારતમાં પહેલાથી જ આ માટે એક યોજના છે, પરંતુ આપણે વધારાના સિલિન્ડર પર વધુ સબસિડી આપવી જોઈએ. પહેલું સિલિન્ડર મફત છે. પરંતુ સૌથી ગરીબ પરિવારો ખાસ કરીને મહિલાઓને વધુ સબસિડી મળવી જોઈએ. આનાથી તેમનું સ્વાસ્થ્ય સુધરશે અને બહારનું વાયુ પ્રદૂષણ ઘટશે. શહેરોમાં જાહેર પરિવહનનો વિસ્તાર કરવાથી અને કેટલીક કાર પર દંડ લાદવાથી મદદ મળી શકે છે. પ્રોત્સાહનો અને સજાઓનું મિશ્રણ જરૂરી છે.